12 May, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગયા વર્ષે નવેમ્બરમાં દીકરા વિહાનની મમ્મી બન્યા પછી કૅટરિના કૈફ હાલમાં ફિલ્મી પડદાથી દૂર રહીને પોતાના માતૃત્વનો આનંદ માણી રહી છે. રવિવારે કૅટરિનાએ તેના ૭ મહિનાના પુત્ર વિહાનના જન્મ પછીનો પહેલો મધર્સ ડે ઊજવ્યો હતો. આ ખાસ પ્રસંગને તેના પતિ વિકી કૌશલ અને પુત્ર વિહાન દ્વારા આપવામાં આવેલા સરપ્રાઇઝ કાર્ડ અને સુંદર બુકેએ વધુ યાદગાર બનાવી દીધો હતો. કૅટરિનાએ આ સુંદર પળોની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં નાનકડા વિહાનનો હાથ દેખાય છે.
રવિવારે મધર્સ ડે હતો અને એ દિવસે બન્ને માતાઓ સલમા ખાન અને હેલન સાથેની જૂની તસવીરો શૅર કરીને સલમાન ખાને પોતાની લાગણી દર્શાવી હતી. સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ પણ એ દિવસે સલમા ખાન અને હેલન સાથે તસવીરો પોસ્ટ કરીને ઇમોશનલ મેસેજ લખ્યો હતો. સલમાને શૅર કરેલી એક બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરમાં તે બાળપણમાં માતા સલમા ખાનના ખોળામાં જોવા મળ્યો હતો. બીજી તસવીરમાં સલમાન માતા સલમા સાથે અને ત્રીજી તસવીરમાં તે સલમા ખાન અને હેલન બન્ને સાથે જોવા મળ્યો હતો. આ પોસ્ટ શૅર કરતાં સલમાને કૅપ્શન લખી હતી, હૅપી મધર્સ ડે. સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ પણ મધર્સ ડે પર પોતાની ફૅમિલી અને સલમાનની ફૅમિલી સાથે તસવીરો શૅર કરી હતી. યુલિયાએ સલમા ખાન અને હેલન સાથે ફૅમિલી-મોમેન્ટ્સ પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘હૅપી મધર્સ ડે. હું મારી જાતને ખૂબ નસીબદાર અને આભારી માનું છું કે મને તેમનો પ્રેમ મળ્યો. દરેક પરિસ્થિતિમાં તેમનો ઉષ્માભર્યો, પ્રેમ અને સુરક્ષાથી ભરેલો હાથ હંમેશાં મારી સાથે રહ્યો. આઇ લવ યુ. એ તમામ શાનદાર મહિલાઓને પણ મધર્સ ડેની શુભેચ્છાઓ જેમણે મારા જીવનમાં માતાની જેમ સાથ આપ્યો.’
પ્રિયંકા ચોપડા જેટલી પોતાના કામને લઈને ચર્ચામાં રહે છે એટલી જ તેની પર્સનલ લાઇફ પણ લાઇમલાઇટમાં રહે છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ બન્નેનો પ્રેમ સોશ્યલ મીડિયા પર ઘણી વાર છવાયેલો રહે છે. નિકે ફરીથી મધર્સ ડેના અવસરે પ્રિયંકા પર પ્રેમ વરસાવ્યો છે. નિકે શૅર કરેલી તસવીરો અને મેસેજ લોકોને ખૂબ ગમ્યાં છે. નિકે સોશ્યલ મીડિયામાં શૅર કરેલી તસવીરોમાં નિક, પ્રિયંકા અને તેની દીકરી માલતી મારી પણ જોવા મળી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતાં નિકે લખ્યું હતું, ‘તું જ અમારી ઉડાનને સહારો આપતી હવા છે. હૅપી મધર્સ ડે, મારી જાન. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.’
ગઈ કાલે હિમેશ રેશમિયા અને સોનિયા કપૂરનાં લગ્નને ૮ વર્ષ પૂરાં થયાં. પોતાની વેડિંગ-ઍનિવર્સરીએ હિમેશે પત્ની સાથેની એક સુંદર તસવીર શૅર કરી અને સાથે જ તેણે પત્ની માટે એક પ્રેમભરી નોંધ પણ લખી. હિમેશ રેશમિયાએ પત્નીને શુભેચ્છા આપતી પોસ્ટની કૅપ્શન લખી કે ‘મારી સુંદર પત્ની સોનિયા, તું મારા જીવનની દરેક ધૂનનો આત્મા છે. હૅપી વેડિંગ-ઍનિવર્સરી.’
સબા આઝાદ હાલમાં બૉયફ્રેન્ડ હૃતિક રોશન અને તેના પરિવાર સાથે ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે. આ ખાસ ફૅમિલી-ટ્રિપમાં હૃતિકના પિતા રાકેશ રોશન, માતા પિન્કી રોશન અને બહેન સુનૈના રોશન પણ સામેલ છે. ગઈ કાલે હૃતિકે સોશ્યલ મીડિયામાં આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં આખો રોશન પરિવાર અને સબા આઝાદ એક સુંદર આઉટડોર લોકેશન પર મોટા વૃક્ષ નીચે પોઝ આપતાં જોવા મળ્યાં હતાં. આ તસવીરો શૅર કરતાં હૃતિકે કૅપ્શન લખી, ‘ફ્રાન્સમાં અમને એક વૃક્ષ મળ્યું એનું ખાસ નામ ‘ઓમ્બ્રે દે મામા’ છે જેનો અર્થ ‘માતાની છાયા’ થાય છે. વાહ! હૅપી મધર્સ ડે. ફ્રેન્ચ લોકો મારી પાછળ પડે એ પહેલાં કહી દઉં કે હું મજાક કરી રહ્યો છું. અમે વૃક્ષોને પ્રેમ કરતો હોય એવો થોડો પાગલ પરિવાર છીએ.’
આ વખતે ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને તારા સુતરિયા સહિત ઘણી ભારતીય સેલિબ્રિટીઓ હાજરી આપવાની છે. આ ફેસ્ટિવલ ૧૨થી ૨૩ મે દરમ્યાન ફ્રાન્સમાં યોજાવાનો છે. ગઈ કાલે સવારે આલિયા કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે રવાના થઈ હતી. તે કૅઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે સફેદ ટૅન્ક ટૉપ પર કાળા રંગનો કોટ પહેર્યો હતો. આ લુકને તેણે ડેનિમ જીન્સ અને બૂટ્સ સાથે પૅર કર્યો હતો. આલિયા આ વર્ષે એક વૈશ્વિક બ્યુટી-બ્રૅન્ડની ગ્લોબલ ઍમ્બૅસૅડર તરીકે રેડ કાર્પેટ પર વૉક કરશે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરી વિશે આલિયાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષનો અનુભવ શાનદાર હતો. આ વર્ષે વધુ મોટી ઇવેન્ટ થકી હું ખરેખર ઘણી ઉત્સાહી છું. અહીં મહિલાઓના મહત્ત્વ અને સશક્તીકરણને મજબૂત સમર્થન આપવામાં આવે છે.’