27 July, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન ફેમિલી
શાહરુખ ખાન હાલમાં કામમાંથી બ્રેક લઈને પરિવાર સાથે લંડનમાં સમય પસાર કરી રહ્યો છે. હાલમાં તે પત્ની ગૌરી અને સંતાનો સુહાના, આર્યન તથા અબરામ સાથે ફરતો જોવા મળ્યો હતો. ખાન પરિવારની સાથે વિતાવેલી પળોની અનેક તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરોમાં ફૅન્સને ફિલ્મોના સેટથી દૂર શાહરુખનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે.
શાહરુખના આઉટિંગના વિડિયોમાં તે લંડનની સડકો પર કૅઝ્યુઅલ લુકમાં ફરતો જોવા મળે છે. તેણે બૅગી ટ્રાઉઝર, સાદું ટી-શર્ટ અને હૂડી પહેરી છે. તેની પાછળ આર્યન અને અબરામ ચાલતા જોવા મળે છે. અન્ય તસવીરોમાં ગૌરી અને સુહાના પણ તેની સાથે જોવા મળે છે. આ તસવીરોમાં કિંગ ખાન પોતાના પરિવાર સાથે ક્વૉલિટી સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે લંડનના પાર્ક લેન વિસ્તારમાં તેનું એક ભવ્ય ઘર પણ છે અને અહીં જ તે પોતાની રજાઓ ગાળે છે.
કૉક્રૉચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લેનારાં શબાના આઝમીની તબિયત બગડી છે. ૭૪ વર્ષીય શબાનાને સ્વાઇન ફ્લુ થયો હોવાનું સામે આવ્યું છે અને આ પછી ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવાની સલાહ આપી છે. સ્વાઇન ફ્લુની પુષ્ટિ થાય એ પહેલાં પણ દિલ્હીના જંતરમંતર ખાતે યોજાયેલી સભા દરમ્યાન શબાના આઝમીની તબિયત અચાનક લથડી ગઈ હતી.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની ગણતરી બૉલીવુડના પાવર કપલમાં થાય છે. બન્ને અવારનવાર કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહેતાં હોય છે. હવે તેમની એક નવી તસવીર સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં બન્ને એક ચાહક સાથે સેલ્ફી માટે પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે. અભિષેક અને ઐશ્વર્યા ન્યુ યૉર્કમાં સજોડે ફરી રહ્યાં છે અને આ વેકેશન દરમ્યાન જ તેમણે પોતાના ચાહકો સાથે તસવીરો પણ પડાવી હતી. તસવીરોમાં બન્ને કૅઝ્યુઅલ લુકમાં સ્મિત સાથે ચાહક સાથે પોઝ આપતાં જોવા મળે છે. જોકે આ તસવીરમાં તેમની સાથે દીકરી આરાધ્યા નથી.
આદર્શ બાલ વિદ્યાલય
‘પંચાયત’, ‘ગુલ્લક’ અને ‘ગ્રામ ચિકિત્સાલય’ જેવી વેબ-સિરીઝ બાદ હવે TVF ‘આદર્શ બાલ વિદ્યાલય’ લઈને આવ્યું છે. આ વાર્તાના કેન્દ્રમાં જ્ઞાનેશ્વર ત્રિપાઠી (કે. કે. મેનન) છે જે દિલ્હીની સૌથી ખરાબ હાલત ધરાવતી સરકારી શાળાઓમાંથી એકના શાંત સ્વભાવના હેડમાસ્ટર છે. જ્ઞાનેશ્વર ત્રિપાઠીને જ્યારે ખબર પડે છે કે શહેરની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ૧૦ શાળાઓના હેડમાસ્ટરોને સરકારના ખર્ચે ટ્રેઇનિંગ માટે કેમ્બ્રિજ મોકલવામાં આવશે ત્યારે તેઓ તમામ મુશ્કેલીઓ છતાં પોતાની શાળાને બદલવાનો સંકલ્પ કરે છે. આ સફરમાં તેમને બેકાબૂ વિદ્યાર્થીઓ, વર્ગખંડમાં શિસ્તનો અભાવ, સંસાધનોની અછત, બેદરકાર વાલીઓ અને પોતાની જ સમસ્યાઓમાં ફસાયેલા શિક્ષકો જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ સિરીઝમાં અર્ચના પૂરન સિંહ, નવીન કસ્તુરિયા, અભિમન્યુ સિંહ, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘આદર્શ બાલ વિદ્યાલય’ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
મુસાફિર કૅફે
આ એક રોમૅન્ટિક ડ્રામા વેબ-સિરીઝ છે જેનું શૂટિંગ ભોપાલ અને મસૂરીમાં કરવામાં આવ્યું છે. ૮ એપિસોડની આ વાર્તામાં ત્રણ અજાણ્યા લોકોની જિંદગી અચાનક એકબીજા સાથે જોડાઈ જાય છે. સિરીઝમાં ચંદર મોહન શર્મા (વિક્રાન્ત મેસી) પોતાના માટે સાચા અર્થમાં જીવવાની શોધમાં છે. સુધા (વેદિકા પિન્ટો) પોતાના ભવિષ્યને પોતાની શરતો પર ઘડવા ઇચ્છે છે જ્યારે પ્રીતિ (મહિમા મકવાણા) શાંતિપૂર્ણ અને સ્થિર જીવનની શોધમાં છે. પ્રેમ, એનાથી થતી પીડા અને જીવન બદલનારા નિર્ણયો આ ત્રણેયની સફરને એક નવી દિશા આપે છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ
રહી છે.