06 May, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય અને શાહરુખ ખાન વચ્ચે ‘જવાન’નો ડિરેક્ટર ઍટલી
ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મી દુનિયામાં રાજ કરનાર સુપરસ્ટાર વિજય હવે સંપૂર્ણ રીતે રાજકારણમાં પ્રવેશી ગયો છે. ૨૦૨૪માં તેણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરી હતી અને ૨૦૨૫માં અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વર્ષે તેણે તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડી અને તેની પાર્ટીએ ૧૦૮ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું. વિજય સાઉથનો સુપરસ્ટાર છે પણ તેને અને શાહરુખ ખાન વચ્ચે ગાઢ મિત્રતા છે અને એ વાતનો પુરાવો ઘણી વખત મળ્યો છે. ૨૦૨૨માં જ્યારે શાહરુખ જ્યારે ચેન્નઈમાં ‘જવાન’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે બન્નેએ સાથે સમય વિતાવ્યો હતો. વિજયે શાહરુખ માટે ખાસ ભોજનનું આયોજન પણ કર્યું હતું. શાહરુખે સોશ્યલ મીડિયા પર આ વાત શૅર કરી હતી અને જણાવ્યું હતું કે વિજયે તેને ખૂબ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. આ પછી બન્ને ૨૦૨૨માં ડિરેક્ટર ઍટલીની બર્થડે પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.
માધુરી દીક્ષિત અને શિલ્પા શિરોડકર ૯૦ના દાયકાની હિટ હિરોઇનો હતી. આ બન્ને હિરોઇનો મરાઠી પરિવારની હોવાના કારણે તેમની વચ્ચે સારો તાલમેલ હતો અને તેમનો સેક્રેટરી પણ એક જ હતો જેના કારણે તેઓ ઘણા પ્રોજેક્ટમાં સાથે જોવા મળતાં હતાં. હાલમાં શિલ્પાએ ૯૦ના દાયકામાં ઇન્દોરના એક લાઇવ શોની તસવીરો શૅર કરી છે. આ લાઇવ શોની તસવીરોમાં તેની સાથે માધુરી પણ જોવા મળે છે અને તસવીર પરથી જ તેમની વચ્ચે સારી સારી એવી મિત્રતા હોવાનું જણાઈ આવે છે.
વરુણ ધવન પાંચમી જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના પ્રમોશન માટે પોતાની લક્ઝરી કાર છોડીને રિક્ષામાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. વરુણે સોશ્યલ મીડિયામાં રિક્ષામાં મુસાફરી કરતો એક વિડિયો શૅર કર્યો હતો અને એની કૅપ્શનમાં ‘રિક્ષા ઇઝ વાઉ’ લખ્યું હતું. આ વિડિયોમાં તેણે બૅકગ્રાઉન્ડમાં પોતાની ફિલ્મનું હાલમાં જ રિલીઝ થયેલું નવું ગીત ‘વાઉ’ વગાડ્યું હતું.