કુકુ કોહલીને બૉલીવુડની સેલિબ્રિટીઝે આપી અંતિમ વિદાય

27 August, 2026 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરુણા ઈરાનીના પતિ અને જાણીતા ફિલ્મમેકર કુકુ કોહલીનું ૭૭ વર્ષની વયે હાર્ટ-અટૅકથી નિધન થયું. ઓશિવરા ખાતે અંતિમ સંસ્કારમાં દીકરી કરિશ્માએ પિતાની અર્થીને કાંધ આપ્યો હતો.

પતિ અને ફિલ્મમેકર કુકુ કોહલીને અંતિમ વિદાય આપતી વખતે અરુણા ઈરાની ભાંગી પડ્યાં હતાં.

અરુણા ઈરાનીના પતિ અને અનુભવી ફિલ્મમેકર કુકુ કોહલીનું મંગળવારે ૭૭ વર્ષની વયે નિધન થયું હતું. કુકુ કોહલીને હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેણે કોકિલાબેન હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈ કાલે કુકુ કોહલીના અંતિમ સંસ્કાર ઓશિવરા સ્મશાનગૃહમાં થયા હતા. આ અંતિમ સંસ્કારમાં વિકી કૌશલ, વિકીના પિતા શામ કૌશલ, કૅટરિના કૈફ, રોહિત શેટ્ટી, રાજપાલ યાદવ, જાવેદ અખ્તર, શબાના આઝમી, રજત બેદી, શર્વરી અને ટીકુ તલસાણિયા જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. કુકુ કોહલીના અંતિમ સંસ્કાર વખતે પરંપરાગત રીત-રિવાજોને બાજુ પર રાખીને તેમની દીકરી કરિશ્મા કોહલીએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી હતી અને તેના ચહેરા પર પિતાને ગુમાવવાનું અસહ્ય દુઃખ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જ્યારે અરુણા ઈરાની પણ ભાંગી પડ્યાં હતાં અને ગજેન્દ્ર ચૌહાણે તેમને સંભાળ્યા હતા.

પિતાની અર્થીને કાંધ આપી રહેલી દીકરી કરિશ્મા કોહલી.

વિકી કૌશલ, વિકીના પિતા શામ કૌશલ અને કૅટરિના કૈફ.

ટીકુ તલસાણિયા

રોહિત શેટ્ટી

શર્વરી વાઘ

અરુણા ઈરાની સાથે કુકુ કોહલીએ કર્યાં હતાં બીજાં લગ્ન

કુકુ કોહલીએ બે લગ્ન કર્યાં હતાં. કુકુ કોહલીનાં પહેલાં પત્નીનું નામ રીટા કોહલી હતું. રીટા કોહલી અને કુકુ કોહલીને બે દીકરીઓ પૂજા અને કરિશ્મા છે. કુકુ કોહલીનાં બીજાં લગ્ન ઍક્ટ્રેસ અરુણા ઈરાની સાથે થયાં હતાં. બન્નેની પહેલી મુલાકાત ફિલ્મ ‘કોહરામ’ના સેટ પર થઈ હતી. તેમની મિત્રતા વધીને પ્રેમમાં બદલાઈ હતી. આ સમયે કુકુ પહેલાંથી જ પરિણીત અને બે દીકરીઓના પિતા હતા. આમ છતાં અરુણાએ કુકુ સાથે ૧૯૯૦માં લગ્ન કરી લીધાં હતાં. જોકે તેમણે ઘણાં વર્ષો સુધી પોતાનાં લગ્નને જાહેર નહોતાં કર્યાં. કુકુ કોહલીનાં પહેલાં પત્નીના નિધન પછી બન્નેએ પોતાના સંબંધ વિશે ખૂલીને વાત કરી હતી. કુકુને પહેલાં લગ્નથી સંતાનો હોવાના કારણે લગ્ન પછી અરુણા અને કુકુએ બાળકો ન કરવાનો નિર્ણય લીધો હતો.

vicky kaushal katrina kaif rohit shetty sharvari wagh entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood