28 March, 2025 06:58 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પરની ફિલ્મ ‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ના નામે રિલીઝ થવાની છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પરની ફિલ્મ ‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’ના નામે રિલીઝ થવાની છે. બુધવારે આ બાયોપિકનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથના સાંસારિક, આધ્યાત્મિક અને રાજકીય માર્ગને આકાર આપનારા નિર્ણયો બતાવવામાં આવશે. યોગી આદિત્યનાથનું ઓરિજિનલ નામ અજય મોહન સિંહ બિષ્ટ છે.
આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું છે અને એમાં યોગી આદિત્યનાથની આધ્યાત્મિક અને રાજકીય યાત્રાને વણી લેવામાં આવી છે. આ ફિલ્મ લેખક શાંતનુ ગુપ્તાના બેસ્ટસેલિંગ પુસ્તક ‘ધ મૉન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે.
‘અજેય : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ અ યોગી’માં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશી ભજવી રહ્યા છે, જ્યારે પરેશ રાવલ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. પરેશ રાવલને આદિત્યનાથના આધ્યાત્મિક માર્ગદર્શક, ગોરખનાથ મઢના મહંત અવૈદ્યનાથની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમનો રોલ મહત્ત્વનો છે, કારણ કે તેમના ઉપદેશોથી યોગી આદિત્યનાથના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.
આ ફિલ્મના પોસ્ટર સાથે બૅકગ્રાઉન્ડમાં પરેશ રાવલના સ્વરમાં કહેવાઈ રહ્યું છે : વો કુછ નહીં ચાહતા થા, સબ ઉસકો ચાહતે થે, જનતા ને ઉસકો સરકાર બના દિયા.