13 November, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી છે. અંદાજે દોઢ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૪૫૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવે આ મોટી સફળતાની ઉજવણી કરવા માટે ફિલ્મની ટીમ મુંબઈમાં એક ખાસ સક્સેસ-પાર્ટીનું આયોજન કરવા જઈ રહી છે. આ પાર્ટીની સૌથી ખાસ વાત એ હશે કે અહીં મહેમાનોને માત્ર શુદ્ધ શાકાહારી અને સાત્ત્વિક ભોજન જ પીરસવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ‘હનુમાન અંશ’ની સક્સેસ-પાર્ટી આગામી વીકએન્ડમાં મુંબઈમાં યોજાશે. આ ખાસ પ્રસંગે ફિલ્મના નિર્માતા, ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી અને ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહેશે. આ ઉપરાંત ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરનારી કંપની સિનેપૉલિસ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ આ ઉજવણીમાં સામેલ થશે. ફિલ્મની સફળતામાં સિનેપૉલિસનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે, કારણ કે કંપનીએ ફિલ્મને થિયેટરો સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
આ સક્સેસ-પાર્ટી અન્ય ફિલ્મોની પાર્ટી કરતાં થોડી અલગ હશે. રિપોર્ટ પ્રમાણે આ પાર્ટીમાં દારૂ કે માંસાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે. મહેમાનો માટે સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી અને સાત્ત્વિક ભોજન પીરસવામાં આવશે. ફિલ્મની આધ્યાત્મિક વાર્તા અને ટીમની માન્યતાઓને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. તેઓ ઇચ્છે છે કે ફિલ્મની સફળતાની ઉજવણી પણ એ જ મૂલ્યો અને ભાવનાઓને પ્રતિબિંબિત કરે જેની સાથે આ ફિલ્મ જોડાયેલી છે.
હનુમાન અંશના ડિજિટલ અને સૅટેલાઇટ રાઇટ્સ વેચાયા ૬૩ કરોડમાં
આ વર્ષની સરપ્રાઇઝ હિટમાં ‘હનુમાન અંશ’ ટોચ પર છે. માત્ર દોઢથી બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૪૫૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બ્લૉકબસ્ટર થઈ એ પછી એની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ દરમ્યાન ફિલ્મને લઈને એક મોટી ડીલ ફાઇનલ થઈ છે. રિપોર્ટ પ્રમાણે ‘હનુમાન અંશ’ના ડિજિટલ અને સૅટેલાઇટ રાઇટ્સ વેચવાથી નિર્માતાઓને ૬૩ કરોડ રૂપિયા મળ્યા છે.
હકીકતમાં ‘હનુમાન અંશ’ ૯૦ દિવસથી વધુ સમય સુધી થિયેટરોમાં ચાલી હતી. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાનાં લગભગ ૮ અઠવાડિયાં બાદ OTT પર આવે છે. જોકે ‘હનુમાન અંશ’ લાંબા સમય સુધી થિયેટરોમાં પ્રદર્શિત થઈ હોવાથી નિર્માતાઓએ એને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર લાવવાની ઉતાવળ કરી નહોતી. હવે આખરે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ વેચાઈ ગયા છે અને હવે એ સોની લિવ પર જોવા મળશે, કારણ કે સોનીએ ‘હનુમાન અંશ’ના ડિજિટલ અને ટેલિવિઝન રાઇટ્સ ૬૩ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બરે સોની લિવ પર રિલીઝ થશે. ત્યાર બાદ થોડા સમય પછી એને સોની મૅક્સ પર પણ પ્રસારિત કરવામાં આવશે.