28 May, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યો યો હની સિંહ
સિંગર, રૅપર અને કમ્પોઝર યો યો હની સિંહ ૨૦૧૦ના દાયકામાં ભારતીય પૉપ મ્યુઝિક દુનિયામાં ટોચ પર હતો, પરંતુ પછી તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. દારૂ અને ડ્રગ્સની લતે તેને એવા અંધકારમય તબક્કામાં ધકેલી દીધો હતો જ્યાંથી બહાર નીકળવામાં અને ફરીથી પોતાની ઓળખ બનાવવામાં તેને ઘણાં વર્ષો લાગી ગયાં. હાલમાં તેણે પોતાના વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે નશાની લત અને બાઇપોલર ડિસઑર્ડર સામેની લડાઈ દરમ્યાન તેના માથાના બધા વાળ ખરી ગયા હતા અને હાલમાં તે વિગ પહેરે છે.
હાલમાં હની સિંહે દવાઓના પ્રભાવ અને સાઇડઇફેક્ટ્સ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી અને ખુલાસો કર્યો કે તે સંપૂર્ણપણે ટાલિયો થઈ ગયો છે. પોતાનો અનુભવ જણાવતાં હની સિંહે કહ્યું હતું કે ‘૨૦૧૮ અને ૨૦૧૯માં મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે હું મરી ગયો છું. મને લાગતું હતું કે હું સ્વર્ગ અને નરકની વચ્ચે ક્યાંક ફસાઈ ગયો છું. હું ૭ વર્ષ સુધી એક જ દવા લેતો રહ્યો, છતાં ઠીક થતો નહોતો. જ્યારે મેં આખરે ઘરની બહાર નીકળવાનો નિર્ણય લીધો ત્યારે મેં ડૉક્ટર પણ બદલી નાખ્યો. તેમણે કેટલીક દવાઓ બદલી, નવી દવાઓ શરૂ કરી અને મુખ્ય દવાનો ડોઝ ઍડ્જસ્ટ કર્યો. માત્ર ૪ અઠવાડિયાંમાં જ મારી તબિયત સુધરવા લાગી. હું ૭ વર્ષ સુધી ભારે દવાઓ પર હતો. એના કારણે મારું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું અને મારા બધા વાળ ખરી ગયા. અત્યારે હું સંપૂર્ણપણે ટાલિયો છું અને વિગ પહેરું છું.’