24 December, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિતના બન્ને દીકરાઓ અરિન અને રાયન સાથે
એક સમયે બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસ ગણાતી માધુરી દીક્ષિતના બન્ને દીકરાઓ અરિન અને રાયનને બૉલીવુડમાં કામ કરવામાં બિલકુલ રસ નથી અને માધુરીએ ખુલાસો કર્યો છે કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને સર્કસ સમજે છે અને હંમેશાં એનાથી દૂર રહેવા માગે છે. હાલમાં માધુરીએ એક ઇન્ટરવ્યુમાં તેના દીકરાઓની કરીઅર વિશે તેમ જ બૉલીવુડમાં કામ કરવાના વિચાર વિશે વાત કરી હતી.
માધુરીએ દીકરાઓની કરીઅર-પસંદગી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા દીકરાઓએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ચમક-દમકથી દૂર રહેવાનો રસ્તો પસંદ કર્યો છે. મારા મોટા દીકરા અરિનને થોડો સમય ફિલ્મોમાં આવવાનો વિચાર આવ્યો હતો, પરંતુ મને લાગે છે કે તેનો પહેલો પ્રેમ મ્યુઝિક છે. તે પોતાનું મ્યુઝિક પોતે જ પ્રોડ્યુસ કરે છે અને બાકીની તમામ પ્રક્રિયા પણ પોતે જ સંભાળે છે. સ્કૂલમાં તેણે મ્યુઝિકને માઇનર સબ્જેક્ટ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો હતો. અરિન હવે ગ્રૅજ્યુએટ થઈ ગયો છે અને હાલમાં ઍપલ સાથે નૉઇસ કૅન્સલેશન પ્રોગ્રામ પર કામ કરી રહ્યો છે.’
માધુરીએ પોતાના નાના દીકરા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા નાના દીકરા રાયનને પણ ફિલ્મોમાં જરાય રસ નથી. તે સાયન્સ અને ટેક્નૉલૉજીના ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તે ખરેખર બહુ ટૅલન્ટેડ છે. મેં ક્યારેય બાળકોને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી દૂર નથી રાખ્યાં. જ્યારે તેઓ મારી સાથે આવવા માગતા હતા ત્યારે હું તેમને સાથે લઈને ગઈ છું અને જ્યારે તેઓ આવવા માગતા નહોતા ત્યારે મેં તેમની ઇચ્છાનું સન્માન કર્યું હતું. મારાં બાળકો અલગ છે. તેમને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ‘સર્કસ’ લાગે છે અને તેઓ એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.’