28 June, 2026 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકી ભગનાની
૪૧ વર્ષના જૅકી ભગનાની અને રકુલ પ્રીત સિંહની ગણતરી પ્રેમાળ કપલ તરીકે થાય છે પણ હાલમાં સોશ્યલ મીડિયા પર એક સ્ક્રીનશૉટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિણીત હોવા છતાં એક ડેટિંગ ઍપ પર જૅકી ભગનાનીની પ્રોફાઇલ છે. સોશ્યલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે જૅકી ભગનાનીનું અકાઉન્ટ ‘રાયા’ નામની એક્સક્લુસિવ ડેટિંગ ઍપ પર છે. આ સ્ક્રીનશૉટમાં ‘જૅકી’ નામની પ્રોફાઇલ જોવા મળે છે જેના બાયોમાં ‘Actor/Peoducer’ લખેલું છે. એમાં લોકેશન તરીકે લંડન દર્શાવવામાં આવ્યું છે. જોકે ઘણા લોકોએ ‘Producer’ શબ્દના સ્પેલિંગમાં થયેલી ભૂલ પણ નોંધી છે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે આ પ્રોફાઇલ ખરેખર જૅકી ભગનાનીની છે કે નહીં, પરંતુ ‘રાયા’ ઍપને લઈને ચર્ચા ચોક્કસપણે તેજ બની છે. ‘રાયા’ સામાન્ય ડેટિંગ ઍપ નથી. એ એક એક્સક્લુસિવ અને મેમ્બરશિપ આધારિત ઍપ છે જે ખાસ કરીને સેલિબ્રિટી અને હાઈ-પ્રોફાઇલ લોકો માટે જાણીતી છે. એમાં જોડાવા માટે પહેલાં અરજી કરવી પડે છે અને આકરી ચકાસણી પછી જ મંજૂરી આપવામાં આવે છે.