✕

જાવેદ અખ્તરે છાનેછપને આ કઇ સર્જરી કરાવી હતી? પત્નીને સુદ્ધાં ભાળ નહોતી આવવા દીધી

29 November, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાવેદ અખ્તરે આજથી લગભગ ૧૫થી ૧૬ વર્ષ પહેલાંની તેઓને થયેલી આંખની તકલીફ અંગેનો કિસ્સો વાગોળ્યો હતો: તેમણે કહ્યું કે તે સમયે તેમને આંખોની એટલી તકલીફ થઈ ગઈ હતી કે દેખાવાનું ઓછું થવા લાગ્યું હતું. તે સમયે તેમણે આંખના નિષ્ણાતની સલાહ લીધી હતી

જાવેદ અખ્તર અને શબાના આઝમી

જાવેદ અખ્તર તથા ઍક્ટ્રેસ  શબાના આઝમી બૉલિવૂડનું જાણીતું કપલ છે. તે બંને કોઈને કોઈ વાતને લઈને હંમેશાં ચર્ચામાં પણ રહેતાં હોય છે. બંનેના લગ્નજીવનને ચાર દાયકાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે તેઓ એકબીજા સાથે જોડાયેલા અનેક રમૂજી કિસ્સાઓ પણ શૅર કરતા રહે છે. તાજેતરમાં જાવેદ અખ્તરે ભારતીય ક્રિકેટર એમ.એસ. ધોની સાથેની વાતચીત દરમિયાન પોતાના જીવનનો એક એવો કિસ્સો મમળાવ્યો હતો, જે સાંભળીને સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા હતા.

જાવેદ અખ્તરે આજથી લગભગ ૧૫થી ૧૬ વર્ષ પહેલાંની તેઓને થયેલી આંખની તકલીફ અંગેનો કિસ્સો વાગોળ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે તેમને આંખોની એટલી તકલીફ થઈ ગઈ હતી કે દેખાવાનું ઓછું થવા લાગ્યું હતું. તે સમયે તેમણે આંખના નિષ્ણાતની સલાહ લીધી હતી. ડૉક્ટરે તેમને દૂર અને નજીકનું જોવા માટે અલગ-અલગ ચશ્માં પહેરવાની સલાહ આપી હતી. અને આ ચશ્માં ન પહેરવાં પડે તેની માટે ડૉક્ટરે જાવેદ અખ્તરને સર્જરીનો પણ વિકલ્પ આપ્યો હતો જેથી તેમની આંખોની તકલીફ ચશ્માં વગર નિવારી શકાય. 

જોકે, આ વાત તેઓએ પત્ની શબાના આઝમીને જણાવી હતી ત્યારે તેઓએ સર્જરી કરાવવાની ચોખ્ખી ના પાડી દીધી. શબાના આઝમીએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે `તમે આંધળા થઈ જશો! આવી બધી માથાકૂટમાં પડવાની શું જરૂર છે? શું તમે કોઈ ગ્રીક દેવતા છો કે તમે ચશ્માં ન પહેરી શકો? અત્યારે જેમ છે તેમ ચાલવા દો.`
ભલે જીવનસંગિનીએ ના પાડી હોય તેમ છતાં જાવેદ અખ્તરે મનમાં સર્જરી કરાવવાનું તો નક્કી કરી જ લીધું હતું. જ્યારે પત્ની વિદેશ પ્રવાસે ગયાં ત્યારે જાવેદ અખ્તરે કોઈને જાણ કર્યા વિના આંખની સર્જરી કરાવી લીધી હતી.

સર્જરી બાદનો રમૂજી કિસ્સો શૅર કરતાં તેઓ જણાવે છે કે આંખો ખોલતાં મારી બાજુમાં બે નર્સ બેઠેલી દેખાઈ. જોકે, થોડીવાર પછી સમજાયું કે ત્યાં હકીકતમાં એક જ નર્સ હતી. ઘરે પાછો ફર્યો ત્યારે ડૉક્ટરે મને આંખોની સેફ્ટી માટે સ્પેશિયલ ચશ્માં પહેરવાની અને નિયમિત આઈ ડ્રોપ્સ નાખવાની સલાહ આપી હતી. અને મને કહેવામાં આવ્યું હતું કે તમે ત્રણ દિવસ પછી ચશ્માં ઉતારી શકશો. ત્યાં સુધી તો ઊંઘતી વખતે પણ ચશ્માં પહેરવાં પડ્યાં હતાં. ત્રણ દિવસ પછી જ્યારે મેં ચશ્માં ઉતાર્યા ત્યારે ઘરમાં રંગીન ટેલવિઝિન જોઈને બહુ ખુશ થયો હતો. જાવેદજી તેમના મજાકિયા ટૉનમાં કહે છે કે હું સૌને કહેતો હોઉં છું કે હું ૧૦૦ વર્ષનો થઈશ ત્યારે ભલે મારા વાળ ખરી ગયેલા હશે, દાંત પડી ગયેલા હશે, ચહેરા પર કરચલીઓ આવી ગઇ હશે, ગોઠણ નબળાં થઈ ગયેલાં હશે, પણ તેમની આંખો એકદમ સારી હશે.

javed akhtar shabana azmi ms dhoni bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news celeb health talk