18 September, 2025 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`જૉલી એલએલબી 3`નું પોસ્ટર
બૉમ્બે હાઈ કોર્ટે ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મમાં ન્યાયાધીશો અને વકીલોની મજાક ઉડાવવામાં આવી છે જેનાથી ન્યાયવ્યવસ્થાની ગરિમાને ઠેસ પહોંચશે. અરજદારનું કહેવું હતું કે ફિલ્મના પ્રોમો અને સંવાદોમાંથી એવું લાગે છે કે એમાં કોર્ટરૂમની મજાક ઉડાવવામાં આવી છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા એમાં જરૂરી સુધારા કરવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અણખડની ખંડપીઠે સુનાવણી દરમ્યાન આ અરજી પર ગંભીરતાથી વિચારણા તો કરી, પરંતુ સ્પષ્ટ જણાવ્યું કે તેમને આવી વાતોથી કોઈ ફરક પડતો નથી. ખંડપીઠે હળવાશથી કમેન્ટ કરતાં કહ્યું કે ‘અમે શરૂઆતથી જ મજાકનો સામનો કરી રહ્યા છીએ. અમારી ચિંતા કરવાની જરૂર નથી.’
પછી કોર્ટે અરજી ફગાવી દીધી અને જણાવ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ આધાર નથી.
‘જૉલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, મળ્યું U/A સર્ટિફિકેટ
અક્ષય કુમાર અને અર્શદ વારસીની ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને એને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો સામે વાંધો ઉપાડ્યો હતો અને ફેરફાર કરવાનું કહ્યું હતું એના પગલે કેટલાક શબ્દો હટાવવામાં આવ્યા છે અને કેટલાંક દૃશ્યો બ્લર કરવામાં આવ્યાં છે. જોકે આ ફેરફારો એવા છે કે જેનાથી ફિલ્મની વાર્તા પર કોઈ ખાસ અસર નહીં પડે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અર્શદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા, અમૃતા રાવ, હુમા કુરેશી અને સીમા બિસ્વાસ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું ડિરેક્શન ‘જૉલી એલએલબી’ અને ‘જૉલી એલએલબી 2’ના ડિરેક્ટર સુભાષ કપૂરે કર્યું છે.