અમે 5જી ટેક્નોલૉજીના વિરોધમાં નથીઃ જૂહી ચાવલા

09 June, 2021 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રીએ સોશ્યલ મીડિયામાં વીડિયો શૅર કરીને ચોખવટ કરી

જૂહી ચાવલા

બૉલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla)એ ભારતમાં 5G ટેક્નોલૉજીની વિરુદ્ધમાં ગત મહિને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે ગત કોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ અભિનેત્રીને ૨૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, અભિનેત્રી તે સમયે મૌન રહી હતી. પરંતુ આજે તેણે સોશ્યલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને ચોખવટ કરી છે કે, અમે 5જી ટેક્નોલૉજીના વિરોધમાં નથી.

જૂહી ચાવલાએ સોશ્યલ મીડયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે, ‘છેલ્લાં થોડાં દિવસમાં એટલો બધો અવાજ હતો કે હું મારો અવાજ સાંભળી શકું તેમ નહોતી, જેમાં મહત્વપૂર્ણ સંદેશો તો ગુમ થઈ ગયો. તે એ હતો કે અમે 5Gની વિરુદ્ધમાં નહોતા. અમે તેનું સ્વાગત કરીએ છે, તમે પ્લીઝ જરૂર લાવો. બસ અમે ફક્ત પૂછી રહ્યાં છીએ કે જે અધિકારીઓ છે તે એ સર્ટિફાઈ કરી દે કે આપણે સલમાત છીએ. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે, અમારો જે ડર છે તેને દૂર કરો. અમે બધા આરામથી જઈને સૂઈ જઈશું. કહી દો કે બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, પ્રકૃતિ બધા માટે આ સલામત છે. અમે બસ આટલું જ પૂછીએ છીએ’.

શું છે સમગ્ર મામલો?

અભિનેત્રી જૂહી ચાવલાએ ગત મહિને ભારતમાં 5G ટેક્નોલૉજીની વિરુદ્ધમાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જૂહી ચાવલાએ દાવો કર્યો હતો કે, ભારતમાં 5G વાયરલેસ ટેક્નોલૉજીથી માણસો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિને નુકસાન થશે. એટલે તે ટેક્નોલૉજી લાગૂ કરતા પહેલાં તેની અસરનો વિચાર કરવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અરજી ફક્ત પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીની અરજીમાં માત્ર કેટલીક જ માહિતી સાચી હતી. બાકી ફક્ત અટકળો છે અને શંકા વ્યક્ત કરવામાં આવી છે, તેમ કહેવામાં આવ્યું હતું. સાથે જ અરજીકર્તાએ કોર્ટનો સમય બરબાદ કર્યો હોવાથી તેની ફીસ પણ ભરવાનું કહેવામાં આવ્યું હતું. આમ અભિનેત્રીને ૨૦ લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips juhi chawla delhi high court