26 June, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહી ચાવલા
જુહી ચાવલા બહુ સિલેક્ટિવ કામ કરે છે અને નવરાશના સમયમાં તેને ઘરમાં જ ઑર્ગેનિક શાકભાજી તથા ફળો ઉગાડવાનું ગમે છે. હાલમાં જુહીએ સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે મેથી, ધાણા અને ટમેટાં ઉગાડવા માટે ક્યારીઓ તૈયાર કરતી જોવા મળે છે. જુહીને લાંબા સમયથી ઑર્ગેનિક ખેતીમાં રસ રહ્યો છે. મુંબઈની બહાર જુહીનું એક ફાર્મ પણ આવેલું છે જ્યાં એક ટીમ સંપૂર્ણપણે ઑર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. જુહીના ઘરે છોડની સંભાળ માટે એક માળી પણ છે પણ કોરોનાના લૉકડાઉન સમયમાં જુહીએ પણ છોડની દેખરેખ કરવાનું કામ શીખી લીધું હતું.
ઑર્ગેનિક ખેતી કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં જુહીએ કહ્યું હતું કે ‘મને આ કામ ગમે છે પણ મને વિચાર આવે છે કે જ્યારે આ ઊગશે ત્યારે શું હું એને કાપીને ખાઈ શકીશ? મારા માટે આ ખૂબ જ ખાસ હશે, કારણ કે મેં મહેનત કરીને આ ઉગાવ્યું છે. કદાચ મને એને ખાવાનું મન જ નહીં થાય. મને લાગે છે કે આ પ્રક્રિયા મને વસ્તુઓનું મહત્ત્વ સમજવામાં અને એનો યોગ્ય ઉપયોગ કરવાનું પણ શીખવશે. જ્યારે વસ્તુઓ બજારમાંથી ખરીદીને લાવીએ છીએ ત્યારે એની સાથે કોઈ ભાવનાત્મક જોડાણ રહેતું નથી અને ઘણી વખત આપણે એને બરબાદ પણ કરી દઈએ છીએ. જ્યારે તમે કોઈ વસ્તુ જાતે ઉગાડો, એની સંભાળ રાખો અને એને તમારી આંખો સામે વિકસતી જુઓ ત્યારે એ અનુભવ સંપૂર્ણપણે અલગ હોય છે.’