પતિ અને યશરાજ ફિલ્મ્સ વચ્ચેના વિવાદ વિશે કાજોલ આખરે ૧૩ વર્ષ પછી બોલી

09 July, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૨માં અજય દેવગનની ફિલ્મ સન ઑફ સરદાર અને જબ તક હૈ જાનની રિલીઝ સમયે સમસ્યા સર્જાઈ હતી

કાજોલ

કાજોલ અને આદિત્ય ચોપડા વચ્ચે બહુ સારી મિત્રતા હતી. આદિત્યની સુપરહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલ લીડ ઍક્ટ્રેસ હતી. જોકે ૨૦૧૨માં કાજોલના પતિ અજય દેવગનની ફિલ્મ ‘સન ઑફ સરદાર’ અને યશરાજ ફિલ્મ્સની ‘જબ તક હૈ જાન’ની રિલીઝ સમયે થયેલા બૉક્સ-ઑફિસના વિવાદને કારણે કાજોલના યશરાજ ફિલ્મ્સ સાથેના સંબંધોમાં ઓટ આવી હતી, પણ હાલમાં કાજોલે પ્રતિક્રિયા આપી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં કાજોલે જણાવ્યું કે ‘ઝઘડા હંમેશાં મુશ્કેલ હોય છે અને જ્યારે એનો ઉકેલ નથી આવતો ત્યારે વધારે મુશ્કેલ બની જાય છે. જ્યારે બન્ને પક્ષ પોતાના સન્માન માટે ઊભા રહે ત્યારે તમારી સ્થિતિ કફોડી બને છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિ બન્ને પક્ષ સાથે જોડાયેલી હોય તે લાચારી અનુભવે છે. તમે કંઈ કરી શકતા નથી. તમારે માત્ર સમય વીતવાની રાહ જોવી પડે છે, જેથી પરિસ્થિતિ થાળે પડી જાય અને વસ્તુઓ ફરીથી સારી થઈ શકે. પરિવર્તન આખરે પરિવર્તન હોય છે. એ ન તો સારું હોય છે, ન તો ખરાબ. ક્યાંક લખ્યું છે કે પરિવર્તન શાશ્વત છે. આ એકમાત્ર વસ્તુ છે, જે સ્થિર છે.’

રિપોર્ટ પ્રમાણે ૨૦૧૨માં રિલીઝના દિવસે કઈ ફિલ્મને વધુ સ્ક્રીન મળશે એને લઈને અજય દેવગન અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે વિવાદ થયો હતો. આખરે અજયની કંપનીએ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)ને ફરિયાદ કરી હતી. અજયે આરોપ લગાવ્યો હતો કે યશરાજ ફિલ્મ્સે વધુ સ્ક્રીન મેળવવા માટે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેની ફિલ્મને પૂરતી સ્ક્રીન મળી નહોતી.

kajol entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood yash raj films aditya chopra