હું મારી કરીઅરની શરૂઆતમાં બહુ જિદ્દી, થોડી બેવકૂફ હતી

14 March, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલે સ્પષ્ટતા કરી કે ફિલ્મ પસંદ કરવાની બાબતમાં તેના માટે સૌથી પહેલાં સ્ક્રિપ્ટ મહત્ત્વની હોય છે

કાજોલ

કાજોલ છેલ્લે ‘માઁ’ નામની ફિલ્મમાં જોવા મળી હતી અને હવે તે પ્રભુ દેવા સાથે ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘મહારાગ્નિ : ક્વીન ઑફ ક્વીન્સ’માં જોવા મળશે. હાલમાં કાજાલે પોતાના આવનારા પ્રોજેક્ટ્સ અને બૉલીવુડમાં તેની કરીઅર વિશે ચર્ચા કરી છે. 
કાજોલને જ્યારે તેના આવનારા પ્રોજેક્ટ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે ‘હું ઘણા નવા આઇડિયાઝ સાંભળી રહી છું, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ પ્રોજેક્ટ વિશે જાહેર કરવા જેવું નથી. મારી પાસે બે-ત્રણ આઇડિયાઝ છે જેના પર હું કામ કરી રહી છું. જોકે હાલમાં હું તમને કોઈ ચોક્કસ માહિતી આપી શકું એવી સ્થિતિમાં નથી.’ 
કાજોલે પોતાની કરીઅરની ટોચ પર થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય વિશે કાજોલે કહ્યું, ‘મને લાગે છે કે એ સમયે હું બહુ જિદ્દી અને થોડી બેવકૂફ હતી, પરંતુ સદ્નસીબે હું સાચી સાબિત થઈ. હું જોઉં છું કે ઘણી મહિલાઓ પણ આવી રીતે નિર્ણયો લે છે, ભલે તેમને કોઈ ખાસ પુરસ્કાર ન મળે. મેં મારા બધા નિર્ણયો પોતે લીધા છે. મને ખુશી છે કે મારી થોડી વિચિત્ર લાગતી પસંદગીઓ પણ લોકોને ગમી છે.’

કેવા લોકો સાથે કામ કરવાનું પસંદ?

કાજોલ કહે છે કે ફિલ્મ પસંદ કરવાની બાબતમાં તેના માટે સૌથી પહેલાં સ્ક્રિપ્ટ મહત્ત્વની હોય છે, પણ તે એવા લોકો સાથે જ કામ કરવાનું પસંદ કરે છે જેની સાથે તે જોડાઈ શકે અને કામ કરતી વખતે કમ્ફર્ટેબલ હોય. આ પસંદગી વિશે વાત કરતાં કાજોલે કહ્યું કે ‘મારા માટે ખૂબ જ જરૂરી છે કે હું એવા લોકો સાથે કામ કરું જેમની સાથે હું કનેક્ટ થઈ શકું અને વાતચીત કરી શકું. ફિલ્મના સેટ પર આપણે લગભગ પચાસ દિવસ સાથે પસાર કરીએ છીએ અને જો તમને ત્યાંના લોકો પસંદ ન હોય તો એ પચાસ દિવસ પાંચસો દિવસ જેટલા લાંબા લાગી શકે.’

kajol bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news