21 November, 2025 10:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સોમનાથમાં દર્શન કર્યા કંગના રનૌતે
ઍક્ટ્રેસ અને લોકસભાની સંસદસભ્ય કંગના રનૌતે ગુજરાત પ્રવાસ દરમ્યાન ગઈ કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. સોમનાથ દર્શન કરતાં પહેલાં કંગનાએ બુધવારે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યાં હતાં તેમ જ એ પહેલાં સોમવારે સાસણમાં ગીર અભયારણ્યમાં સિંહદર્શનની મજા માણી હતી
સોમનાથમાં દર્શન
ગઈ કાલે કંગનાએ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવજીની પ્રતીકપૂજા અને જળાભિષેક બાદ ધ્વજાપૂજા કરી હતી અને કહ્યું હતું કે સોમનાથ મહાદેવનાં ચરણોમાં આવતાં જ મન એકદમ ધ્યાનમગ્ન થઈ જાય છે. આ પૂજા પછી મીડિયા સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે આજનાં બાળકોમાં વિદેશી સંસ્કૃતિના આકર્ષણ સામે ભારતીય સંસ્કાર અને પરંપરા પ્રબળ કરવા અહીં આવી છું અને એ માટે મારા ભાણેજ પૃથ્વીરાજ ચંદેલને સાથે લાવી છું.
રિપોર્ટ પ્રમાણે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટે કંગનાને માતા પાર્વતીને ચડાવેલાં પ્રસાદ અને સાડીની ભેટ આપી હતી. કંગનાએ મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરીને કૅપ્શન લખી છે, ‘આજે મેં બાબા સોમનાથજીનાં દર્શન અને આરતી કરી. સાથે જ આજે ધ્વજપૂજન કરી બાબાના મંદિરમાં ધ્વજ અર્પણ કરવાની મને તક મળી. હર હર મહાદેવ.’
દ્વારકાધીશનાં દર્શન
સોમનાથમાં દર્શન કરતાં પહેલાં કંગનાએ ભત્રીજા સાથે મંગળવારે દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં. એ દર્શન પછી કંગનાએ દ્વારકાની દિવ્યતાનાં વખાણ કરતાં કહ્યું હતું કે દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર આવવાથી મનને પરમ શાંતિ અને શક્તિ મળે છે. એ સમયે મંદિર ટ્રસ્ટે તેનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને દ્વારકાધીશનો પ્રસાદ અર્પણ કર્યો હતો.
સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત
કંગનાએ ગુજરાતના પ્રવાસ દરમ્યાન મોટી બહેન રંગોલીના દીકરા પૃથ્વીરાજ સાથે સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. રિપોર્ટ પ્રમાણે તેણે વહેલી સવારે સફારી પાર્કમાં બે કલાક સુધી ખુલ્લી જિપ્સીમાં જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો. તેને આ મુલાકાત દરમ્યાન બે સિંહ અને એક સિંહણ જોવા મળ્યાં હતાં.
કંગનાને દાઢે વળગ્યો ગુજરાતી વાનગીનો સ્વાદ
ગુજરાત ફરવા આવેલી કંગના રનૌતને ગુજરાતી વાનગીનો સ્વાદ દાઢે વળગ્યો હતો. હાલમાં કંગનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ગુજરાતી ભોજનથી ભરેલી થાળીની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘ક્રૂઅલ્ટી-ફ્રી, ઓછું મરચાં-મસાલાવાળું (નૉન-તામસિક), હળવું ગળ્યું. શું ગુજરાતી ભોજનને ‘દેવોનું ભોજન’ કહું તો એ ખોટું હશે?’ આ થાળીમાં ગુજરાતી શાક, થેપલાં અને ઢોકળાં જેવી વાનગી છે.