15 September, 2025 02:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કારણ જોહર અને પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બૉલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચન પછી હવે ફિલ્મ નિર્માતા કરણ જોહરે વ્યક્તિગત અધિકારોના રક્ષણની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ ઉપરાંત, કરણ જોહરે કેટલીક વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સને તેમના નામ અને છબી ધરાવતા મગ અને ટી-શર્ટ સહિતની વસ્તુઓ ગેરકાયદેસર રીતે ન વેચવાનો નિર્દેશ પણ માગ્યો છે.
જોહરે કહ્યું કે તેમની છબી, નામ અને અવાજનો અનધિકૃત ઉપયોગ બંધ થવો જોઈએ. કોર્ટે અભિષેક અને ઐશ્વર્યા રાયની અરજી પર વચગાળાનો આદેશ પસાર કર્યો હતો અને તેમના નામ, છબી અને અવાજના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ના વધતા વલણ સાથે, સ્ટાર્સના ફોટોગ્રાફ્સ અને અવાજોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેમની સાથે છેડછાડ કરવાનો ભય પણ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ફિલ્મ સ્ટાર્સ આ અંગે સાવધ બની રહ્યા છે. તાજેતરમાં, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
નિર્માતાએ આ માગણી કરી હતી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ફિલ્મ નિર્માતા કરણ જોહરે વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે તેમના નામે ગેરકાયદેસર રીતે વસ્તુઓ વેચતા અટકાવવાની માગ કરી છે. કરણ જોહરે આજે સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને પોતાની ઓળખ અને પ્રચાર અધિકારોના રક્ષણની માગ કરી છે.
આજે આ કેસની સુનાવણી ન્યાયાધીશ મનમીત પ્રીતમ સિંહ અરોરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે જોહર વતી વરિષ્ઠ વકીલ રાજશેખર રાવ હાજર રહ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ભંડોળ એકત્ર કરવા માટે તેમના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે.
જોહર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજશેખર રાવે દલીલ કરી હતી કે ફિલ્મ નિર્માતાની ઓળખનો દુરુપયોગ થઈ રહ્યો છે, ભંડોળ એકત્ર કરવા અને અનધિકૃત ફેન પેજ ચલાવવા માટે તેમના ચિત્રો અને નામનો દુરુપયોગ થઈ રહ્યો છે.
"મજાક અને શોષણ વચ્ચે એક રેખા છે. જેટલા વધુ મીમ્સ વાયરલ થશે, તેટલા વધુ પૈસા તમે કમાશો. મને ખાતરી કરવાનો અધિકાર છે કે કોઈ મારી સંમતિ વિના મારા વ્યક્તિત્વ અથવા લાક્ષણિકતાઓનો ઉપયોગ ન કરે," રાવે દલીલ કરી હતી.
જસ્ટિસ અરોરાએ દલીલોની નોંધ લીધી અને સંકેત આપ્યો કે કોર્ટ ચોક્કસ ઉલ્લંઘન કરનારા પેજિસ (Pages) ને દૂર કરવાના આદેશો આપી શકે છે, જ્યારે સંપૂર્ણ મનાઈ હુકમ આપવા સામે ચેતવણી આપી હતી.
ન્યાયાધીશે સ્પષ્ટતા કરી કે જોહર નવા ઉલ્લંઘનો થાય તો કોર્ટ પાસે ફરી મદદ માગી શકે છે, ટિપ્પણી કરતા કહ્યું: "જો તેઓ કાર્યવાહી નહીં કરે, તો તમે કોર્ટમાં આવો. બેન્ચે એવો પણ સંકેત આપ્યો કે ભવિષ્યના ઉલ્લંઘનોને સંબોધવા માટે એક પદ્ધતિ ગોઠવી શકાય છે.
"અમારે ફક્ત એક જ વસ્તુ કરવાનું છે, જ્યારે અમે આજે આદેશ પસાર કરીશું, ત્યારે તે ચોક્કસ પેજિસ (Pages) માટે જ હશે. અન્ય કોઈપણ પેજિસ માટે, તમે તેમને નોટિસ આપી શકો છો, અને તેમને આદેશનો પાલન કરવો પડશે. જો તેઓ એમ નહીં કરે, તો તમે કોર્ટમાં પાછા આવી શકો છો," ન્યાયાધીશ અરોરાએ ઉમેર્યું.