30 January, 2025 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન અને કરીના કપૂર
સૈફ અલી ખાન અને કરીના કપૂર આજકાલ સૈફ પરના હુમલા અને એની આસપાસની ગૂંચવાતી જતી થિયરીઓને કારણે ચર્ચામાં છે ત્યારે સૈફ-કરીનાની લવસ્ટોરી જાણવા જેવી છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાનનું પ્રેમપ્રકરણ ૨૦૦૮માં ‘ટશન’ના સેટ પર શરૂ થયું હતું અને થોડાં વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી આખરે તેમણે ૨૦૧૨ની ૧૬ ઑક્ટોબરે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન પછી ૨૦૧૬માં તેઓ દીકરા તૈમુરનાં અને ૨૦૨૧માં દીકરા જેહનાં માતા-પિતા બન્યાં હતાં. સૈફ અને કરીનાની રિલેશનશિપ તો ખુલ્લી કિતાબ જેવી હતી એટલે મોટા ભાગના લોકોને એની જાણ હતી, પણ આ રિલેશનશિપની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે બહુ ઓછા લોકોને ખબર છે.
સૈફ અને કરીનાની રિલેશનશિપની શરૂઆત ‘ટશન’ના સેટ પર થઈ હતી. એ સમયે કરીનાના જીવનમાં શાહિદ કપૂર હતો, પણ સૈફ સાથેનો તેનો સંબંધ દિવસે-દિવસે મજબૂત બનતો ગયો અને આખરે કરીનાએ તેના જીવનના નવા પ્રકરણની શરૂઆત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું હતું કે તેના અને સૈફના પ્રેમપ્રકરણની કઈ રીતે શરૂઆત થઈ હતી. આ ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે ‘મને ખબર હતી કે અમારા સંબંધને નામ આપવાની શરૂઆત મારે જ કરવી પડશે, કારણ કે સૈફ એવી વ્યક્તિ નથી જે પહેલ કરે. મને ખબર હતી કે સૈફ થોડો રિઝર્વ્ડ છે અને તે ક્યારેય મને તેની લાગણી નહીં જણાવે. મેં જ્યારે સૈફ સામે મારી ફીલિંગ એક્સપ્રેસ કરી ત્યારે તેને થોડો આંચકો લાગ્યો હતો અને તે મારી વાત પર વિશ્વાસ નહોતો કરી શક્યો. તેણે મને વારંવાર પૂછ્યું હતું, શું કામ? મને ખરેખર ખબર નહોતી પડી કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તેને ખરેખર આંચકો લાગ્યો છે. જોકે જે હોય તે, પણ આખી વાતનો અંત બહુ જ સારી રીતે આવ્યો. મારા અને સૈફના અફેરની શરૂઆતની ક્રેડિટ મને જ મળવી જોઈએ.’