02 May, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા અને કૅટરિના કૈફ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં ખુલાસો કર્યો કે કરીઅરની શરૂઆતમાં તે પોતાને ખૂબ નબળી ડાન્સર માનતી હતી. તેણે એક જૂની ઘટના શૅર કરતાં જણાવ્યું હતું કે કોરિયોગ્રાફર રાજુ ખાન સાથે કામ કરતી વખતે તેને બધાની સામે ઠપકો આપવામાં આવ્યો હતો અને કહેવાયું હતું કે હિરોઇન બનતાં પહેલાં ડાન્સ શીખી આવો. પ્રિયંકાએ માન્યું હતું કે એ સમયે ઍક્ટ્રેસ કૅટરિના કૈફે ડાન્સગુરુ બનીને તેની મદદ કરી હતી. પોતાના જીવનના આ ખાસ અનુભવને જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘મેં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે ડાન્સ અને ઍક્ટિંગને સાથે સંભાળવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. શૂટિંગ દરમ્યાન કૅમેરા સામે અભિનય કરવો, કોરિયોગ્રાફી યાદ રાખવી અને કો-ઍક્ટર સાથે તાલમેલ બેસાડવાનું મારા માટે પડકારરૂપ હતું. એ સમયે મારી ઉંમર માત્ર ૧૯ અથવા ૨૦ વર્ષની હતી. એક વખત હું સાઉથ આફ્રિકામાં રાજુ ખાન સાથે શૂટિંગ કરી રહી હતી, પરંતુ વારંવાર ભૂલ કરી રહી હતી જેના કારણે રાજુ ખાન નારાજ થઈ ગયો અને ગુસ્સામાં માઇક નીચે ફેંકીને કહ્યું કે ભલે તું બ્યુટી-પેજન્ટમાંથી આવી હોય, પણ ઍક્ટ્રેસ બનતાં પહેલાં ડાન્સ શીખ. એ પછી મેં ડાન્સ શીખવાનું શરૂ કર્યું અને કલાકો સુધી પ્રૅક્ટિસ કરી. એ સમયે કૅટરિનાએ મારી મદદ કરી હતી અને હું રોજ લગભગ ૬ કલાક કૅટરિના સાથે ડાન્સ-પ્રૅક્ટિસ કરતી હતી.’