ગૅલૅક્સી થિયેટર ટેમ્પરરી બંધ થયું હોવાની અફવા

24 April, 2024 06:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બડે મિયાં છોટે મિયાં અને મૈદાનની નિષ્ફળતાને કારણે નહીં પરંતુ થિયેટર રિનોવેશન માટે ફક્ત ત્રણ દિવસ બંધ હતું

મનોજ દેસાઈની તસવીર

અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’ નિષ્ફળ જતાં સિંગલ સ્ક્રીન થિયેટર્સને ખૂબ જ નુકસાન થવાથી મુંબઈનાં ગૅલૅક્સી થિયેટરને ટેમ્પરરી બંધ કરી દેવામાં આવ્યાં હોવાની વાતો ચાલી હતી. જોકે આ એક ખોટા સમાચાર છે. શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ અને સની દેઓલની ‘ગદર’ને કારણે સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકોને ખૂબ જ ફાયદો થયો હતો. જોકે આ બે ફિલ્મોને કારણે તેમને એટલું જ નુકસાન પણ થયું છે. લોકસભાના ઇલેક્શનને લઈને મે મહિનામાં એક પણ મોટી ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ ગૅલૅક્સી થિયેટરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. આ વિશે ગૅલૅક્સી થિયેટરના સર્વેસર્વા મનોજ દેસાઈ કહે છે, ‘થિયેટરને બંધ કરવામાં આવ્યું છે એ માત્ર અફવા છે. લોકો આવા સમાચાર શું કામ ફેલાવે છે એ સમજમાં નથી આવતું. ગૅલૅક્સી ફક્ત ત્રણ દિવસ માટે બંધ હતું અને એ પણ અપગ્રેડેશન માટે. પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમને બદલવામાં આવી છે. અમે રિનોવેશન કર્યું અને ફરી બિઝનેસમાં આવી ગયા છીએ. આ શુક્રવારે નવી ફિલ્મને પણ રિલીઝ કરવામાં આવશે.’

 પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમને બદલવા માટે થિયેટર ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. અમે ફરી બિઝનેસમાં આવી ગયા છીએ.
- મનોજ દેસાઈ

entertainment news bollywood buzz bollywood news maidaan akshay kumar tiger shroff