12 January, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિકા સિંહ
છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓ બાબતે સંબંધી સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે ભારે ચર્ચા ચાલી રહી છે અને આ મામલાની સુનાવણી હજી ચાલુ છે. આ દરમ્યાન પંજાબી ગાયક અને અભિનેતા મિકા સિંહે ભાવુક અપીલ કરતાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આવારા કૂતરાઓ પર નકારાત્મક અસર કરે એવું કોઈ પણ પગલું ન લેવામાં આવે. આ સાથે મિકા સિંહે સ્ટ્રે ડૉગ્સના કલ્યાણ માટે ૧૦ એકર જમીન દાનમાં આપવાની ઑફર કરી છે.
મિકા સિંહે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ‘મિકા સિંહ માનનીય સુપ્રીમ કોર્ટને વિનમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને કૂતરાઓને નુકસાન પહોંચાડાય એવું કોઈ પણ પગલું ન લેવાય. મારી પાસે પૂરતી જમીન છે અને હું સંપૂર્ણપણે ૧૦ એકર જમીન દાનમાં આપવા તૈયાર છું. મારી એકમાત્ર વિનંતી છે કે આ પ્રાણીઓની જવાબદારીપૂર્વક સંભાળ રાખી શકે એવા યોગ્ય માનવ-સંસાધન અને કૅરટેકર્સની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે. આશ્રયો બનાવવા તથા કૂતરાની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની દરેક પહેલ માટે હું જમીન આપવા તૈયાર છું.’
સલમાન ખાનને શ્વાન પ્રત્યે બહુ પ્રેમ છે. તેણે અત્યાર સુધી અનેક વિદેશી ડૉગ પાળ્યા છે જેનાં નામ તેણે સન, જાન, સેન્ટ અને વીર રાખ્યાં છે. એમાંથી એક કૂતરાનું નામ ટોરો હતું જેનું ગયા વર્ષે મોત થયું હતું. હવે નવા વર્ષે સલમાન ફરી એક નવા કૂતરા સાથે જોવા મળ્યો છે. તેણે એ ડૉગના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે અને એનું નામ ‘સુખ’ રાખ્યું છે.