મિર્ઝાપુર : ધ મૂવી બની ૨૦૨૬ની ચોથી સૌથી મોટી ઓપનર

06 September, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા જ દિવસે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૨૭.૮૫ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી લીધી છે

મિર્ઝાપુર : ધ મૂવી

‘મિર્ઝાપુર : ધ મૂવી’એ પહેલા જ દિવસે બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર શરૂઆત કરીને મોટું સરપ્રાઇઝ આપ્યું છે. આ ફિલ્મે શાનદાર ઓપનિંગ નોંધાવી છે અને એ ૨૦૨૬ની ચોથી સૌથી મોટી ઓપનર બની છે. આ યાદીમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’, ‘ટૉક્સિક’ અને ‘બૉર્ડર 2’ એના કરતાં આગળ છે. આંકડા પ્રમાણે ‘મિર્ઝાપુર : ધ મૂવી’ના હિન્દી વર્ઝને પહેલા સપ્તાહના પહેલા શુક્રવારે ૨૭.૮૫ કરોડ રૂપિયાનું સત્તાવાર નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન નોંધાવ્યું છે, જ્યારે તેલુગુ વર્ઝને પહેલા દિવસે ૨૬ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય જન્માષ્ટમીના તહેવારની ઉજવણીને કારણે ફિલ્મના પાવરફુલ પ્રદર્શનને વધુ ફાયદો મળ્યો છે. 
‘મિર્ઝાપુર : ધ મૂવી’એ અનેક જાણીતી હિન્દી ફિલ્મોના પહેલા દિવસના બિઝનેસને પણ પાછળ છોડી દીધો છે. એમાં ‘આવારાપન 2’, ‘ભૂત બંગલા’, ‘વૉર 2’, ‘ધમાલ 4’, ‘કૉકટેલ 2’ અને ‘આલ્ફા’નો સમાવેશ થાય છે.

મિર્ઝાપુર : ધ મૂવીનો બીજો ભાગ આવશે? 

લોકપ્રિય વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ પર આધારિત ‘મિર્ઝાપુર : ધ મૂવી’ શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ સાથે જ ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ કરી છે. હવે આ ફિલ્મની સીક્વલને લઈને ચર્ચા શરૂ થઈ છે. 
‘મિર્ઝાપુર : ધ મૂવી’ના પોસ્ટ-ક્રેડિટ સીનથી ફિલ્મની સીક્વલનો મોટો સંકેત મળી રહ્યો છે. આ ફિલ્મ એક મોટા સસ્પેન્સભર્યા વળાંક પર પૂરી થાય છે. આ ફિલ્મ મુન્ના એટલે કે દિવ્યેન્દુ, ગુડ્ડુ એટલે કે અલી ફઝલ અને સ્વીટી ગુપ્તા એટલે કે શ્રિયા પિલગાવકર વચ્ચેના લવ-ટ્રાયેન્ગલને એક અલગ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. મૂળ વેબ-સિરીઝમાં આ લવ-ટ્રાયેન્ગલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એન્ડિંગ સીનમાં મુન્ના અને ગુડ્ડુને એ જાણીને આશ્ચર્ય થાય છે કે તેઓ બન્ને એક જ યુવતી સ્વીટી સાથે પ્રેમ કરે છે. આ સીક્વલની મુખ્ય સ્ટોરીનો આધાર બની શકે છે. આ એન્ડને જોઈને લોકો ચર્ચા કરી રહ્યા છે કે મેકર્સ કદાચ ‘મિર્ઝાપુર : ધ મૂવી’ની સીક્વલમાં ત્રણેયના સંબંધોને વધુ ઊંડાણપૂર્વક દર્શાવે અને જાણીતા લવ-ટ્રાયેન્ગલને એક નવો વળાંક આપે.

mirzapur indian films indian cinema latest films box office entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood