✕

ભગવાન શ્રી રામને અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને રજનીકાંત બનાવી દીધા છે

02 October, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણના ટ્રેલરમાં જોવા મળેલાં ઍક્શન દૃશ્યોની મુકેશ ખન્નાએ કરી આકરી ટીકા, આ મામલે મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘નિતેશ તિવારી અને તેમની ટીમે ભગવાન રામને ‘મર્યાદા પુરુષોત્તમ’ની ગરિમાથી અલગ કરીને ઍક્શન કરતા સુપરસ્ટાર તરીકે દર્શાવ્યા છે.

ભગવાન શ્રી રામને અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને રજનીકાંત બનાવી દીધા છે

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ સવારે ૪.૧૫ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી સોશ્યલ મીડિયા પર ટ્રેલરને સતત મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
હાલમાં મુકેશ ખન્નાએ ફિલ્મના ઍક્શન સીનને આધુનિક ઍન્ગલ આપવાના અને એમાં વધુ પડતી સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવાના મુદ્દે ટીકા કરી હતી. હવે એક નવી વાતચીતમાં મુકેશ ખન્નાએ ફરી આ મામલે પોતાની વાત રજૂ કરી છે. આ મામલે મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘નિતેશ તિવારી અને તેમની ટીમે ભગવાન રામને ‘મર્યાદા પુરુષોત્તમ’ની ગરિમાથી અલગ કરીને ઍક્શન કરતા સુપરસ્ટાર તરીકે દર્શાવ્યા છે. માત્ર સ્પેશ્યલ ઇફેક્ટ્સના ઉપયોગથી કોઈ ફિલ્મ શાનદાર બની જતી નથી, કારણ કે ભારતીય પરંપરામાં ભગવાન રામનું ભાવનાત્મક મહત્ત્વ છે. ફિલ્મમાં શ્રીરામને ધુરંધર બનાવી દીધા છે. શ્રી રામ ભગવાનનું રૂપ છે, અવતાર છે. કૃષ્ણ પણ ભગવાનના અવતાર છે પણ જે રીતે ફાઇટ સીન દર્શાવવામાં આવ્યા છે એમાં શ્રીરામ ઝાડ પર ઊડીને તીર મારે છે તો આવું ક્યારેય જોયું નથી. મેં એટલી રામાયણ વાંચી છે અને રામલીલા જોઈ છે, પણ શ્રી રામને ઍક્શન કરતા નથી જોયા. શ્રી રામને સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રજનીકાંત બનાવી દીધા છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામજી આ રીતે ફાઇટ કરતા નહોતા. રામજીને મૅન ઑફ ઍક્શન બનાવી દીધા છે. સાંભળ્યું છે કે ફિલ્મને વૈશ્વિક સ્તરે રિલીઝ કરવાની યોજના છે. વિદેશના દર્શકો માટે રામની છબી કરતાં ફિલ્મનાં વિઝ્યુઅલ્સ વધુ મહત્ત્વનાં હોઈ શકે છે અને તેઓ એની સરખામણી ‘સ્ટાર વૉર્સ’ સાથે કરી શકે છે. જોકે ભારતમાં ભગવાન રામને દર્શાવવામાં આવે ત્યારે આસ્થા સાથે તેમને રજૂ કરવા જોઈએ.’

mukesh khanna ramayan rajinikanth amitabh bachchan Salman Khan nitesh tiwari bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news