09 October, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારગિલ યુદ્ધ વખતે આર્મીના જવાનો સાથે નાના પાટેકર
નાના પાટેકર લાંબા સમય સુધી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહ્યા અને અત્યાર સુધીમાં અનેક યાદગાર તથા દમદાર પાત્રો તેમણે ભજવ્યાં છે, પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે નાના પાટેકર ભારતીય પ્રાદેશિક સેનાના અધિકારી પણ રહી ચૂક્યા હતા. નાનાએ પોતે ખુલાસો કર્યો હતો કે ૧૯૯૯ના પાકિસ્તાન સામે લડાયેલા કારગિલ યુદ્ધ દરમ્યાન તેમણે ભારતીય સેના સાથે લગભગ ૬૦ દિવસ વિતાવ્યા હતા. નાના પાટેકરને યુદ્ધમાં સામેલ થવાની પરવાનગી તત્કાલીન રક્ષાપ્રધાન પાસેથી મળી હતી અને તેઓ સેનાની ક્વિક રીઍક્શન ટીમમાં હતા. આ જ સમયગાળા દરમ્યાન નાના પાટેકરે પોતાની અભિનય કારકિર્દીને પણ દાવ પર લગાવી દીધી હતી. એ સમયે ત્રણ વખત નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલા અભિનેતા પોતાની કારકિર્દીના શિખરે હતા, તેમ છતાં તેમણે ફિલ્મોથી થોડા સમય માટે અંતર બનાવીને ભારતીય સેનામાં ફ્રન્ટલાઇન વૉરિયર તરીકે દેશની સેવા કરવા પહોંચવાનું પસંદ કર્યું હતું. નાના પાટેકરને સેનામાં ઑનરરી કૅપ્ટનનું પદ પણ આપવામાં આવ્યું હતું અને તેઓ ૬૨ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા.
પોતાના આ અનુભવ વિશે વાત કરતાં નાનાએ કહ્યું હતું કે ‘હું ક્વિક રીઍક્શન ટીમનો સભ્ય બની ગયો હતો. આ સૌથી વિશિષ્ટ દળોમાંનું એક છે. દેશ માટે આપણે આટલું તો કંઈક કરી જ શકીએ. આપણું સૌથી મોટું હથિયાર બોફર્સ તોપ કે શસ્ત્રો નથી, પણ આપણા જવાનો છે. હું મુગલપુરા, દ્રાસ, લેહ, કુપવાડા, બારામુલા અને સોપોરમાં તહેનાત હતો. મેં હૉસ્પિટલ બેઝ પર પણ કામ કર્યું હતું. આ યુદ્ધે મારા પર ઊંડી અસર કરી હતી. જ્યારે હું શ્રીનગર પહોંચ્યો ત્યારે મારું વજન ૭૬ કિલો હતું પણ જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારું વજન ૫૬ કિલો થઈ ગયું હતું.’
ફિલ્મ ‘પ્રહાર’ના દૃશ્યમાં
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમ્યાન નાના પાટેકરને સરહદ પર જઈને સેના સાથે જોડાવાની વિશેષ મંજૂરી મળવા પાછળ તેમની સૈન્ય પૃષ્ઠભૂમિ, વિશેષ તાલીમ અને દેશભક્તિ મહત્ત્વપૂર્ણ કારણો હતાં. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સામાન્ય નાગરિક હોવાને કારણે શરૂઆતમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમને યુદ્ધક્ષેત્રમાં જવાની મંજૂરી આપી નહોતી. જોકે નાના પાટેકરે એ સમયના સંરક્ષણપ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી વિશેષ મંજૂરી મેળવી લીધી હતી.
૧૯૯૧માં આવેલી તેમની ફિલ્મ ‘પ્રહાર : ધ ફાઇનલ અટૅક’ના નિર્દેશન અને અભિનય માટે નાના પાટેકરે કોઈ શૉર્ટકટ અપનાવ્યો નહોતો. તેમણે ભારતીય સેનાની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે સતત ૩ વર્ષ સુધી સખત કમાન્ડો તાલીમ લીધી હતી. આ તાલીમને કારણે તેમને સૈન્યની કામગીરી અને યુદ્ધની પરિસ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ પણ મળ્યો હતો.
નાના પાટેકર એક કુશળ શૂટર પણ હતા. તેમણે રાષ્ટ્રીય સ્તરની રાઇફલ શૂટિંગ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. તેમની આ શૂટિંગ કુશળતા પણ સૈન્ય સાથે જોડાવાની તેમની ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ બની હતી.
સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે સામાન્ય નાગરિકને યુદ્ધક્ષેત્રમાં મોકલી શકાય નહીં ત્યારે નાના પાટેકરે પોતાની સૈન્યતાલીમનો ઉલ્લેખ કરતાં મજબૂત દલીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સેનામાં કમિશન મેળવવામાં ૬ મહિના લાગે છે, જ્યારે તેમણે સેનાની સાથે પૂરાં ૩ વર્ષ વિતાવ્યાં છે અને સખત તાલીમ પણ લીધી છે. નાના પાટેકરની સૈન્યતાલીમ, અનુભવ અને દેશ માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઇચ્છાથી પ્રભાવિત થઈને જ્યૉર્જ ફર્નાન્ડિસે તેમને કારગિલના મોરચે જવાની વિશેષ મંજૂરી આપી હતી.