09 May, 2025 07:16 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાણી કપૂર અને ફવાદ ખાન (તસવીર: મિડ-ડે)
ભારતે મંગળવારે રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જે બાદ ભારતમાં ઓપરેશન સિંદૂરની પ્રશંસા થઈ રહી છે, અને પાકિસ્તાની કલાકારો તેની નિંદા કરી રહ્યા છે. ભારતના બૉલિવૂડની ફિલ્મોમાં કામ કરીને પ્રખ્યાત થનાર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને ઓપરેશન સિંદૂરને શરમજનક ગણાવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે.
પાકિસ્તાનના સેલિબ્રિટિ હાનિયા આમિર, માહિરા ખાન, ફવાદ ખાન સહિતના ઘણા કલાકારોએ ભારતના આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે. ફવાદ ખાને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. ફવાદની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે.
ફવાદ ખાને તેને શરમજનક હુમલો ગણાવ્યો
ફવાદ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું - `આ શરમજનક હુમલામાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે હું દુ:ખ વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના પરિવારને આવનારા દિવસોમાં શક્તિ આપે. મારી બધાને એક જ વિનંતી છે કે તમારા શબ્દોથી આગમાં ઘી ન નાખો. આ સામાન્ય લોકોના જીવનથી વધુ કંઈ નથી. હું ઈચ્છું છું કે લોકો થોડી સંવેદનશીલતા વિકસાવે. જો અલ્લાહ ચાહે તો. પાકિસ્તાન અમર રહે.
તમને જણાવી દઈએ કે ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં ફવાદ સાથે વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હોત. પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતમાં આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મના ગીતો પણ રિલીઝ થયા. આમાં ફવાદ અને વાણીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી. જોકે ભારતે આ ફિલ્મને બૅન કરી હતી અને આ વાતને લઈને પાકિસ્તાન દ્વારા પણ ફિલ્મમાં ભારતીય કલાકાર હોવાને લીધે ફિલ્મને પાકિસ્તાનમાં પણ બૅન કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા પણ ફિલ્મને બૅન કરવામાં આવતા ફવાદ ખાને કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી.
ફવાદે બૉલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ખૂબસુરત ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી તે કપૂર એન્ડ સન્સ અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળ્યો. ફવાદનો ભારતમાં ખૂબ મોટો ચાહક વર્ગ છે. ફવાદ ખાનની આ પોસ્ટને લઈને લોકો તેની ટીકા કરી રહ્યા છે. ભારતના લોકો કહીં રહ્યા છે કે ભારત અને બૉલિવૂડમાંથી પૈસા અને નામ કમાઈને હવે આ ગિરગિટ પોતાનો અસલી રંગ બતાવી રહ્યો છે.