27 April, 2026 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધરને જવાબ આપવા બનેલી પાકિસ્તાની ફિલ્મ મેરા લ્યારીનું ટ્રેલર રિલીઝ થયું
ફિલ્મ ‘ધુરંધર’ની રિલીઝ પછી પાકિસ્તાનનું લ્યારી શહેર ચર્ચામાં આવ્યું હતું. હવે પાકિસ્તાને પોતે આ શહેરના નામ અને એની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘મેરા લ્યારી’ નામની એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં કરાચી પાસે આવેલા લ્યારીને ગૅન્ગસ્ટરના અડ્ડા જેવો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મો જોયા પછી પાકિસ્તાનની જનતા, ત્યાંના રાજકારણીઓ અને કેટલાક ફિલ્મમેકર્સે આદિત્ય ધરની ફિલ્મ પર લ્યારીને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમયે પાકિસ્તાનની સિંધ સરકારના માહિતી મંત્રી શરજીલ ઇનામ મેમણ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ‘લ્યારી એવું શહેર છે જે પોતાની પરંપરા અને શાંતિ માટે ઓળખાય છે. આ શહેરની સાચી હકીકત દુનિયા સામે લાવવા માટે ‘મેરા લ્યારી’ જેવી ફિલ્મ બનાવવામાં આવશે.’
હવે આ ફિલ્મ બની ગઈ છે અને એનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં ઘરેલુ હિંસા અને ભેદભાવ જેવી સામાજિક સમસ્યાઓ દર્શાવવામાં આવી છે. આ ટ્રેલરમાં એક તરફ એક યુવતીનું ફુટબૉલની રમત પ્રત્યેનું સમર્પણ બતાવવામાં આવ્યું છે જે દરેક મુશ્કેલીનો સામનો કરીને પોતાના સપનાને સાકાર કરવા માટે સંઘર્ષ કરે છે. બીજી તરફ એક મહિલા ફુટબૉલ ટ્રેનરનું પાત્ર છે જેને ઘરે પોતાની નોકરી છોડવા માટે માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે પણ આમ છતાં તે ફુટબૉલ શીખવવાના પોતાના જુસ્સાને જાળવી રાખે છે.