03 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માવરા હોકેન
ભારતમાં ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી અનેક પાકિસ્તાની ઍક્ટર્સનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર બૅન મૂકીને એને બ્લૉક કરવામાં આવ્યાં હતાં. જોકે હવે ખબર પડી છે કે પાકિસ્તાની ઍક્ટ્રેસ માવરા હોકેનનું બ્લૉક થયેલું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હવે ભારતમાં અનબ્લૉક થઈ ગયું છે. મંગળવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટના અનેક યુઝર્સે સ્ક્રીનશૉટ શૅર કર્યા જેમાં દેખાયું હતું કે માવરાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભારતમાં ફરીથી ખૂલી ગયું છે. જોકે આ મામલે ભારત સરકાર કે મેટા (ઇન્સ્ટાગ્રામની માલિક કંપની)એ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. હાનિયા આમિર, આતિફ અસલમ, માહિરા ખાન અને ફવાદ ખાન જેવી બીજી પાકિસ્તાની સેલિબ્રિટીનાં અકાઉન્ટ્સ હજી ખૂલ્યાં કે નહીં એ પણ સ્પષ્ટ નથી.
માવરા ૨૦૧૬ની બૉલીવુડની ‘સનમ તેરી કસમ’થી ભારતમાં પ્રખ્યાત થઈ હતી. તાપસી પન્નુ, નીતુ કપૂર, મૌની રૉય, મનીષ મલ્હોત્રા, ખુશ્બૂ પટણી જેવી ભારતીય સેલિબ્રિટીઓ માવરાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફૉલો કરે છે.