મેલબર્નમાં પંકજ ત્રિપાઠીને મળશે આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન સન્માન

29 July, 2026 02:05 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન બદલ પંકજ ત્રિપાઠીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026માં પ્રતિષ્ઠિત ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ સન્માન આપવામાં આવશે. આ અવસરને તેમણે પોતાની કારકિર્દીની અત્યંત ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ ગણાવી છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026માં પ્રતિષ્ઠિત ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ સન્માનથી નવાજવામાં આવશે. ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. પંકજ ત્રિપાઠી આ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રૂબરૂ આ સન્માન સ્વીકારશે.
આ સન્માન વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ સન્માન મળવું મારા માટે અત્યંત ગૌરવની વાત છે. એક અભિનેતા તરીકે હું હંમેશાં માનું છું કે વાર્તાઓમાં ભાષા કે ભૂગોળની સીમાઓને પાર કરીને લોકોનાં દિલોને જોડવાની અને તેમને નજીક લાવવાની અદ્ભુત શક્તિ હોય છે. IFFM જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર મારી સફરને માન્યતા મળવી મારા માટે ખૂબ જ વિશેષ અને અર્થપૂર્ણ છે. મારી કારકિર્દીના દરેક મહત્ત્વના પડાવ પાછળ ફિલ્મમેકર્સ, લેખકો, નિર્દેશકો, સહ-કલાકારો, ટેક્નિશિયન તેમ જ દર્શકોનો વિશ્વાસ અને સહયોગ છે. તેમણે મારા કામને જે પ્રેમ આપ્યો છે એના કારણે જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. તેથી આ સન્માન જેટલું મારું છે એટલું જ તેમનું પણ છે. બિહારના એક નાના ગામમાંથી હું આવ્યો ત્યારે મેં કલ્પના પણ કરી નહોતી કે જે કહાનીઓનો હું ભાગ બનીશ એ એક દિવસ સમગ્ર દુનિયા સુધી પહોંચશે અને લોકો એનો આ રીતે સ્વીકાર કરશે. આ સન્માન બદલ હું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નનો દિલથી આભાર માનું છું. આ યાદગાર ક્ષણ હું જીવનભર ભૂલી શકીશ નહીં.’

pankaj tripathi indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood