11 February, 2025 06:59 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં પંકજ ત્રિપાઠીએ સપરિવાર લગાવી ડૂબકી
પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે ઍક્ટર પંકજ ત્રિપાઠી તેમના પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં પંકજ ત્રિપાઠી તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને જોવા મળ્યા હતા.
તેમણે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી અને પોતાના આ અનુભવને તેમણે ગહન આધ્યાત્મિક અનુભવ ગણાવ્યો હતો.
ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનનો અવસર મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ અનુભવને તેમણે અત્યંત આનંદદાયક અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘અહીંનું વાતાવરણ ખૂબ આધ્યાત્મિક છે. હું ખૂબ ખુશ છું, કારણ કે મને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવાનો અવસર મળ્યો છે. ભગવાને આ પવિત્ર સ્થળે જવાની મને તક આપી. અહીં વટવૃક્ષનાં દર્શન કરવાની ઇચ્છા હતી એ પણ અમે જોઈ આવ્યાં.’
પ્રયાગરાજમાં આસ્થા માટે લોકોનો પ્રવાહ ઓછો નથી. લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા ઉત્સુક છે અને સતત મહાકુંભ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છે. કાનપુરથી પ્રયાગરાજ હાઇવે પર ટ્રાફિકમાં લોકો કલાકો સુધી ફસાયેલા છે. મહાકુંભમાં ભાગ લીધા પછી પંકજ ત્રિપાઠીએ અહીંના ટ્રાફિક વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ‘અહીં ભારે ટ્રાફિક છે. સવારે સંગમ પર ડૂબકી લગાવી. રાતે કિલ્લાથી એરિયલ વ્યુ પણ જોઈ લીધો.’