✕

બોલે ચૂડિયાં પર ડાન્સ-પર્ફોર્મન્સ અને કરીના કપૂર-સૈફ અલી ખાનનું શાહી વેલકમ

19 November, 2026 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિન્સ વિલિયમનું ધર્મા પ્રોડક્શન્સમાં બૉલીવુડના અંદાજમાં કરવામાં આવ્યું સ્વાગત.

પ્રિન્સ વિલિયમનું શાહી સ્વાગત

ગઈ કાલે વેલ્સના પ્રિન્સ વિલિયમ ફિલ્મમેકર કરણ જોહરના પ્રોડક્શન-હાઉસ ધર્મા પ્રોડક્શન્સની ઑફિસની મુલાકાતે પહોંચ્યા હતા. આ ખાસ પ્રસંગે કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ હાજર રહ્યાં હતાં. કરણ, કરીના અને સૈફે મળીને પ્રિન્સ વિલિયમનું શાહી સ્વાગત કર્યું હતું. પ્રિન્સ વિલિયમના સ્વાગત માટે ડાન્સર્સે કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનાં લોકપ્રિય ગીતો પર શાનદાર પર્ફોર્મન્સ આપ્યો હતો જેમાં કરીનાનું જાણીતું ગીત ‘બોલે ચૂડિયાં’ પણ સામેલ હતું. ‘બોલે ચૂડિયાં’ ઉપરાંત ‘સે શાવા શાવા’ અને ફિલ્મનું ટાઇટલ-ટ્રૅક પણ કાર્યક્રમના હિસ્સો હતાં. આ ગીતોએ સમગ્ર વાતાવરણને ફિલ્મી બનાવી દીધું હતું.

પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સમાં આશરે ૪૫ મિનિટ વિતાવી હતી. આ દરમ્યાન માત્ર મનોરંજન અને બૉલીવુડની ઝલક જ નહીં, ભારતીય સિનેમાના ભવિષ્ય વિશે પણ ચર્ચા થઈ હતી. તેમણે કરણ જોહર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફિલ્મોની વધી રહેલી લોકપ્રિયતા અને ભારતીય તથા બ્રિટિશ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વચ્ચે સહયોગની શક્યતાઓ વિશે વાતચીત કરી હતી.

પ્રિન્સ વિલિયમનું સ્વાગત કરવું ખરેખર સન્માન અને ખુશીની વાત : કરણ જોહર

પ્રિન્સ વિલિયમની મુલાકાત પછી કરણ જોહરે સોશ્યલ મીડિયા પર આ ખાસ મહેમાન સાથેની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને તેણે લખ્યું હતું ‘ધર્મા પ્રોડક્શન્સમાં હિઝ રૉયલ હાઇનેસ, વેલ્સના પ્રિન્સ વિલિયમનું સ્વાગત કરવું ખરેખર સન્માન અને ખુશીની વાત હતી.’

karan johar dharma productions saif ali khan kareena kapoor prince william entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood kate middleton