રાણા દગુબટ્ટી અને અજય દેવગન સાથે કામ કરવાથી ઉત્સાહિત છે પ્રિયમણિ

18 January, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાણા દગુબટ્ટી સાથે તે ‘વીરતા પર્વમ’ અને અજય દેવગન સાથે ‘મૈદાન’માં કામ કરી રહી છે

પ્રિયમણિ

રાણા દગુબટ્ટી અને અજય દેવગન સાથે કામ કરવાની તક મળતાં પ્રિયમણિની ખુશી ક્યાંય સમાતી નથી. રાણા દગુબટ્ટી સાથે તે ‘વીરતા પર્વમ’ અને અજય દેવગન સાથે ‘મૈદાન’માં કામ કરી રહી છે. બન્ને સાથે કામ કરવાનો અનુભવ તેના માટે આહ્લાદક રહ્યો છે. રાણા વિશે પ્રિયમણિએ કહ્યું કે ‘અજય સર અને રાણા સાથે કામ કરવાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. હું રાણાને ઘણા સમયથી ઓળખું છું અને સોશ્યલી અનેક વખત તેને મળી છું, પરંતુ તેની સાથે કદી કામ નથી કર્યું. ‘વીરતા પર્વમ’માં ભલે હું હિરોઇન ન હોઉં, પરંતુ હું અગત્યનો રોલ ભજવી રહી છું.’
‘મૈદાન’માં અજય દેવગનની વાઇફનો રોલ પ્રિયમણિ ભજવી રહી છે. ફિલ્મમાં અજય દેવગન ફુટબૉલ ટીમના કૉચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ કરી રહ્યો છે. તેના વિશે પ્રિયમણિએ કહ્યું કે ‘આ ફિલ્મની રિલીઝને લઈને હું ખૂબ આતુર છું, કારણ કે એમાં સૈયદ અબ્દુલ રહીમ અને તેમની વાઇફ સાથેની ખુશનુમા પળોનો સમાવેશ થાય છે. અજય સરે રહીમ સા’બનો રોલ કર્યો છે. એમાં દેખાડવામાં આવ્યું છે કે તેમની વાઇફ તેમને કઈ રીતે ઇમોશનલ સપોર્ટ કરે છે. સ્ટોરી હૈદરાબાદની હોવાથી અમે હૈદરાબાદી ઍક્સેન્ટની સાથે હિન્દી બોલતાં હતાં. આ ૫૦ના દાયકાની સ્ટોરી છે. રહીમ સા’બ અને તેમની વાઇફની વચ્ચે ઉંમરનો ખૂબ તફાવત છે. રહીમ સા’બ તેમની વાઇફને ઇંગ્લિશ શીખવાડે છે અને ફિલ્મમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે દિલ પીગળી જાય છે.’

entertainment news bollywood bollywood news upcoming movie rana daggubati ajay devgn