✕

બ્રિટન અને આયરલૅન્ડમાં રામાયણએ રચ્યો ઇતિહાસ

15 November, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉક્સ-ઑફિસ પર પ્રથમ સ્થાન મેળવનારી પહેલી ભારતીય ફિલ્મ બની.

રામાયણનું પોસ્ટર

‘રામાયણ’ વિદેશી બૉક્સ-ઑફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ભવ્ય ફિલ્મે બ્રિટન અને આયરલૅન્ડની બૉક્સ-ઑફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. ‘રામાયણ’ અહીં પ્રથમ સ્થાન પર પહોંચનારી પહેલી ભારતીય ફિલ્મ બની છે. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ (BFI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ફિલ્મે છથી ૮ નવેમ્બર વચ્ચેના પોતાના ઓપનિંગ વીકએન્ડમાં ૨.૧૪ મિલ્યન પાઉન્ડ એટલે કે અંદાજે ૨૬.૬૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સોની પિક્ચર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવેલી આ ફિલ્મે ૩૬૧ થિયેટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દરેક થિયેટરની સરેરાશ કમાણી ૫૯૫૧ પાઉન્ડ એટલે કે અંદાજે ૭.૫૦ લાખ રૂપિયા રહી છે. ફિલ્મના કુલ કલેક્શનમાં ૩૩૭ સ્થળોએ યોજાયેલા પ્રિવ્યુ શોમાંથી થયેલી ૪,૩૫,૮૭૫ પાઉન્ડ એટલે કે અંદાજે ૫.૪૨ કરોડ રૂપિયાની કમાણીનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધી બ્રિટન અને આયરલૅન્ડની બૉક્સ-ઑફિસ પર કોઈ ભારતીય ફિલ્મ પ્રથમ સ્થાન મેળવી શકી નહોતી. એસ. એસ. રાજામૌલીની ‘RRR’, શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ તથા રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ જેવી ફિલ્મો બીજા સ્થાન સુધી પહોંચી હતી, પણ પહેલું સ્થાન મેળવવામાં સફળ થઈ નહોતી.

રામાયણ દેખાડીને કરવામાં આવશે IFFIના BRICS ફિલ્મ વિભાગનું ઓપનિંગ

ફિલ્મ ‘રામાયણ’ના ચાહકો માટે એક ખુશખબર છે. આ વર્ષે ૨૦થી ૨૮ નવેમ્બર દરમ્યાન યોજાનારા ૫૭મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)ના BRICS વિભાગમાં આ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે. ગોવામાં યોજાનારા આ ફિલ્મ-મહોત્સવમાં અન્ય દેશોની ફિલ્મો પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે ‘રામાયણ’ દેખાડીને BRICS વિભાગનો પ્રારંભ કરવામાં આવશે.

આ ખાસ વિભાગમાં બ્રા‌ઝિલ, ર‌શિયા, ઇ‍‌ન્ડિયા, ચાઇના અને સાઉથ આ‌ફ્રિકા (BRICS) દ્વારા શરૂ થયેલા સંગઠનના તમામ ૧૧ સભ્યદેશોની‌ ‌સિનેમાની પરંપરાઓ અને એની વાર્તાઓને જાણવાની તક મળશે. ભારતીય સંસ્કૃતિમાં મહાકાવ્ય ‘રામાયણ’નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિનું સિનેમૅટિક પ્રતિબિંબ રજૂ કરે છે. આ જ કારણોસર ફિલ્મને બ્રિક્સ વિભાગની શરૂઆત માટે પસંદ કરવામાં આવી છે. આ સિવાય ૫૭મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ‘ધુરંધર’ને ઓપનિંગ ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ ઇન્ડિયન પૅનોરમા વિભાગનો હિસ્સો હશે.

ramayan united kingdom box office ireland brics indian cinema dhurandhar great britain pathaan jawan Shah Rukh Khan ranveer singh international film festival of india bollywood buzz entertainment news bollywood news bollywood gossips bollywood events bollywood