21 July, 2026 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શનિવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઇવેન્ટમાં ટીમ ‘રામાયણ’.
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ થાય એ પહેલાં જ પાઇરસીનો શિકાર બન્યું છે. તાજેતરમાં ફિલ્મની નવી દિલ્હીમાં યોજાયેલી વિશેષ ઇવેન્ટ દરમ્યાન કોઈએ મોબાઇલમાં રેકૉર્ડ કરેલો અંદાજે ૧ મિનિટ ૨૮ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. આ ફુટેજમાં ભગવાન શ્રી રામના સ્વરૂપમાં રણબીર કપૂરની એન્ટ્રી અને પિતા દશરથના વચનનું પાલન કરતાં દૃશ્યોની ઝલક જોવા મળી રહી છે.
આ ઘટના બાદ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા અને ફિલ્મની કાનૂની ટીમે કડક વલણ અપનાવીને ઇન્ટરનેટ પરથી આ લીક થયેલી ક્લિપને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. રેડિટનાં અનેક પેજ પરથી આ વિડિયો હટાવી દેવામાં આવ્યો છે, જોકે એેને સંપૂર્ણપણે દૂર કરવામાં હજુ પણ મુશ્કેલી પડી રહી છે.
ફિલ્મના મેકર્સે આ સંજોગોમાં ચાહકોને અપીલ કરી છે કે તેઓ આવી ગેરકાયદે લીક થયેલી ક્લિપો ન જુએ અને ૨૪ જુલાઈએ રોજ રિલીઝ થનારા સત્તાવાર ટ્રેલરની રાહ જુએ.