વહેલી સવારે સવાચાર વાગ્યાના બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ થયું બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર

30 July, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ramayana Trailer: નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની ‘રામાયણ: પાર્ટ ૧’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આજે સવારે સવાચાર વાગ્યાના બ્રહ્મમુહૂર્તમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે; રણબીર કપૂર, યશ અને સાઇ પલ્લવી જીતી રહ્યાં છે ફેન્સના દિલ

‘રામાયણ: પાર્ટ ૧’ દિવાળીમાં થશે રિલીઝ

આ વર્ષે દિવાળી (Diwali 2026)ના સમયગાળામાં રિલીઝ થનારી રણબીર કપૂર (Ranbir Kapoor)ની `રામાયણ` (Ramayana)ના ટ્રેલર વિશે છેલ્લા ઘણા દિવસોથી ખાસ ચર્ચા ચાલી રહી છે. ૨૪ જુલાઈએ રિલીઝ થનારું આ ફિલ્મનું ટ્રેલર છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે નિર્માતાઓએ ટ્રેલર ૩૦ જુલાઈએ વહેલી સવારે સવાચાર વાગ્યાના શુભ બ્રહ્મમુહૂર્ત દરમ્યાન વૈશ્વિક સ્તરે રિલીઝ (Ramayana Trailer) કર્યું છે.

બ્રહ્મમુહૂર્તમાં ‘રામાયણ: પાર્ટ ૧’નું ટ્રેલર રિલીઝ

નમિત મલ્હોત્રા (Namit Malhotra)ની ‘રામાયણ: પાર્ટ ૧’ના નિર્માતાઓએ ફિલ્મનું બહુપ્રતીક્ષિત સત્તાવાર ટ્રેલર જાહેર કરી દીધું છે, જેણે દુનિયાભરના પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રેલર ૩૦ જુલાઈ ૨૦૨૬ની સવારે હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ સહિત પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

નિતેશ તિવારી (Nitesh Tiwari)ના નિર્દેશનમાં બનેલી અને નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ (Prime Focus Studios) તથા આઠ વાર ઓસ્કાર વિજેતા વીએફએક્સ સ્ટુડિયો ડીએનઇજી (VFX studio DNEG) દ્વારા નિર્મિત, યશ (Yash)ના મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ (Monster Mind Creations)ના સહયોગથી તૈયાર થયેલી ‘રામાયણ: પાર્ટ ૧’ દિવાળી ૨૦૨૬ પર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું વૈશ્વિક વિતરણ સોની પિક્ચર્સ (Sony Pictures) અને ઉત્તર ભારતમાં વિતરણ ધર્મા પ્રોડક્શન્સ (Dharma Productions) કરશે.

નમિત મલ્હોત્રાની ‘રામાયણ’ વિશે

દૂરદર્શી નિર્માતા અને ફિલ્મમેકર નમિત મલ્હોત્રા ‘રામાયણ: પાર્ટ ૧’ લઈને આવી રહ્યા છે, જે વિશ્વની સૌથી પ્રાચીન અને પ્રેરણાદાયી મહાગાથાઓમાંથી એક પર આધારિત બે ભાગની ભવ્ય સિનેમા પ્રસ્તુતિ છે.

સૃષ્ટિની શરૂઆતથી જ ત્રણેય લોકનું સંચાલન ત્રિદેવ કરે છે — બ્રહ્મા (જે સૃષ્ટિનું સર્જન કરે છે), વિષ્ણુ (જે તેનું રક્ષણ કરે છે) અને શિવ (જે પરિવર્તનના પ્રતીક છે). જ્યારે સ્વર્ગ અને પૃથ્વી પર અસંતુલન વધવા લાગે છે, ત્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર અવતાર લઈને સંતુલન સ્થાપિત કરે છે.

આ વખતે ભગવાન વિષ્ણુ રામ (રણબીર કપૂર) તરીકે જન્મ લે છે, જેમનો ઉદ્દેશ્ય ધર્મ અને સંતુલનની સ્થાપના કરવાનો છે. તેમની સામે રાવણ (યશ) ઊભો છે — એક અત્યંત શક્તિશાળી, વિદ્વાન, અજેય અને અમર રાક્ષસ રાજા, જેને સ્વયં ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત છે અને જેનો અહંકાર સમગ્ર બ્રહ્માંડને સંકટમાં મૂકી શકે છે. પોતાના વાસ્તવિક ઉદ્દેશ્યથી અજાણ રામ અયોધ્યાના સૌથી પ્રિય યુવરાજ છે અને ધર્મનું પાલન કરનારા આદર્શ પુરુષ છે. તેઓ પોતાની પ્રિય પત્ની સીતા (સાઈ પલ્લવી) અને નાના ભાઈ લક્ષ્મણ (રવિ દુબે) સાથે સન્માનપૂર્વક જીવવા માંગે છે, પરંતુ પરિસ્થિતિઓ તેમને વનવાસ તરફ લઈ જાય છે. આ વનવાસ આગળ જતાં રામ અને રાવણ વચ્ચેના એ મહાયુદ્ધનો પાયો બને છે, જે દેવો અને મનુષ્યો બંનેના ભવિષ્યનો નિર્ણય કરશે.

દિગ્ગજ કલાકારો અને નિર્માતાઓની ટીમ

આ ફિલ્મમાં `દંગલ` જેવી સુપરહિટ ફિલ્મો આપનારા અનુભવી નિર્દેશક નિતેશ તિવારી જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિ અને ભાવનાઓ સાથે જોડાયેલી તેમની વાર્તા કહેવાની શૈલી આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે.

ફિલ્મમાં ભારતીય સિનેમાના અનેક દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વર્ષો પહેલા ભગવાન રામનું અમર પાત્ર ભજવનારા અરૂણ ગોવિલ (Arun Govil) આ ફિલ્મમાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સાથે શોભના (કૈકેયી), અજિંક્ય દેવ (ઋષિ વિશ્વામિત્ર), કુણાલ કપૂર (ભગવાન ઇન્દ્ર), રકુલ પ્રીત સિંહ (શૂર્પણખા) અને રવિ દુબે (લક્ષ્મણ) ની ભૂમિકામાં દેખાશે.

આ શાનદાર સ્ટારકાસ્ટનું નેતૃત્વ રણબીર કપૂર (ભગવાન રામ) કરી રહ્યા છે. સાઈ પલ્લવી (Sai Pallavi) માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે પેન ઈન્ડિયા (Pan India) સુપરસ્ટાર `રોકિંગ સ્ટાર` યશ, જે પોતાની કંપની મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ દ્વારા ફિલ્મના સહ-નિર્માતા પણ છે, તે રાવણનું દમદાર પાત્ર ભજવી રહ્યા છે.

ફિલ્મની પટકથા એવોર્ડ વિજેતા લેખક શ્રીધર રાઘવન (Shridhar Raghavan)એ લખી છે. સંગીતની જવાબદારી ઓસ્કાર વિજેતા સંગીતકાર હાન્સ ઝિમર (Hans Zimmer) અને એ. આર. રહેમાન (A. R. Rahman)એ સંભાળી છે.

નિર્માતા અને નિર્દેશક ફિલ્મ વિશે શું કહે છે?

નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘રામાયણ માત્ર આપણી મહાન ગાથા નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. વિશ્વભરમાં કામ કરવાના મારા લાંબા અનુભવ દરમિયાન હું હંમેશા માનતો આવ્યો છું કે ભારતની મહાન વાર્તાઓને વૈશ્વિક સ્તરે એ જ ભવ્યતા સાથે રજૂ કરવી જોઈએ જેની તે હકદાર છે. આજે આપણી પાસે એ કળા, ટેકનોલોજી અને પ્રતિભા છે જેના દ્વારા આપણે આ સાંસ્કૃતિક વારસાને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી શકીએ છીએ.’

નિર્દેશક નિતેશ તિવારીએ કહ્યું કે, ‘રામાયણ દુનિયાની સૌથી મહાન વાર્તાઓમાંથી એક છે. એક ફિલ્મમેકર તરીકે મને ક્યારેય તેને સાર્વત્રિક બનાવવાની જરૂર ન લાગી, કારણ કે તે પહેલેથી જ આખી દુનિયાની વાર્તા છે. મારી જવાબદારી માત્ર તેને સંપૂર્ણ ઈમાનદારી, પ્રામાણિકતા અને શ્રદ્ધા સાથે રજૂ કરવાની હતી. મને આશા છે કે વિશ્વભરના દર્શકો રામાયણમાં માત્ર તેનું ભવ્ય રૂપ જ નહીં, પરંતુ તેની ભાવનાઓ અને મૂલ્યોને પણ અનુભવશે.’

નોંધનીય છે કે, આ મહત્ત્વાકાંક્ષી પૌરાણિક મહાકાવ્યની પહેલી ઝલક જોવા માટે ચાહકો ભારે ઉત્સુક છે. ખાસ વાત એ છે કે એ જ દિવસે થિયેટરોમાં `સ્પાઈડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે` પણ રિલીઝ થવાની છે. રિપોર્ટ મુજબ થિયેટરોમાં આ ફિલ્મ સાથે `રામાયણ`નું ટ્રેલર પણ દર્શાવવામાં આવશે.

ramayan upcoming movie nitesh tiwari ranbir kapoor sai pallavi yash naveen kumar gowda ravi dubey sunny deol vivek oberoi kajal aggarwal rakul preet singh Arun Govil lara dutta kunal kapoor sheeba entertainment news bollywood bollywood news dharma productions trailer launch latest trailers