રામાયણની રિલીઝ પહેલાં ખાસ પ્રિવ્યુ સ્ક્રીનિંગમાં અમને દેખાડો

04 August, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી રામલીલા મહાસંઘે રણબીર કપૂરની `રામાયણ` રિલીઝ પહેલાં ખાસ પ્રિવ્યુ સ્ક્રીનિંગની માગ કરી છે. મહાસંઘે `આદિપુરુષ` જેવી વિવાદાસ્પદ સ્થિતિ ટાળવા માટે આ માંગણી કરી છે.

રામાયણની રિલીઝ પહેલાં ખાસ પ્રિવ્યુ સ્ક્રીનિંગમાં અમને દેખાડો

રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ની વિશ્વવ્યાપી રિલીઝ પહેલાં શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મનું ખાસ પ્રિવ્યુ સ્ક્રીનિંગ કરવાની માગણી કરી છે. મહાસંઘનું કહેવું છે કે ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ની જેમ આ પૌરાણિક મહાકાવ્યનું ખોટું અથવા વિવાદાસ્પદ ચિત્રણ ન થવું જોઈએ. મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે તેમના અર્જુન કુમારે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતાઓને ઔપચારિક પત્ર લખ્યો છે જેમાં આ વર્ષની દિવાળી પર ભારતમાં અને વિદેશમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં મહાસંઘના પ્રતિનિધિમંડળ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજવાની માગણી કરવામાં આવી છે. મહાસંઘે ચેતવણી પણ આપી છે કે જો નિર્માતાઓ તેમની આ માગણી નહીં સ્વીકારે તો શ્રી રામલીલા મહાસંઘ અન્ય હિન્દુ સંગઠનો સાથે મળીને દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં સિનેમાઘરોની બહાર વિરોધ-પ્રદર્શન કરશે.
અર્જુન કુમારે પોતાના પત્રમાં ‘આદિપુરુષ’ સાથે જોડાયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે એ ફિલ્મ રિલીઝ થયા બાદ સનાતન સમાજના સભ્યો અને પરંપરાગત રામલીલાના કલાકારોએ અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા. અર્જુન કુમારે પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘મહાસંઘને એવી માહિતી મળી છે કે ‘રામાયણ’માં પણ કેટલાંક દૃશ્યો એવાં હોઈ શકે છે જે ભારત અને વિદેશમાં વસતા હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે. આવું ન થાય એટલે પ્રિવ્યુ સ્ક્રીનિંગ કરવામાં આવે જેથી રિલીઝ પહેલાં કોઈ વાંધાજનક દૃશ્ય કે સંવાદ હોય તો એની ઓળખ કરીને એને દૂર કરી શકાય.’

રામાયણ માટે મળનારી આખી ફી વિવેક ઑબેરૉય કૅન્સરગ્રસ્ત બાળકોને દાન કરશે

વિવેક ઑબેરૉય ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં લંકાપતિ રાવણની બહેન શૂર્પણખાના પતિ વિદ્યુતજિહ્વાના પાત્રમાં જોવા મળશે. વિવેકે આ ફિલ્મ માટે મળનારી પોતાની સમગ્ર ફી કૅન્સરગ્રસ્ત બાળકોના હિત માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં વિવેકે કહ્યું હતું કે ‘મેં નિર્માતા નમિત મલ્હોત્રાને કહ્યું હતું કે હું આ ફિલ્મ માટે એક પણ રૂપિયો લેવા માગતો નથી. હું આ રકમ એવા કાર્ય માટે દાન કરવા માગું છું જેના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું મારી સંપૂર્ણ ફી કૅન્સરગ્રસ્ત બાળકો માટે દાન કરવા ઇચ્છું છું. મેં તેમને કહ્યું કે હું તમારા કામને સમર્થન આપવા માગું છું કારણ કે મને તમારું કામ ખૂબ ગમે છે અને મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ અપાવશે.’

ramayan ranbir kapoor sai pallavi yash naveen kumar gowda rakul preet singh ravi dubey vivek oberoi Arun Govil lara dutta entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood