21 November, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે
કપૂર-પરિવારની ખાસ ડૉક્યુ-સિરીઝ ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શોમાં રણબીર કપૂર, નીતુ કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, અમિતાભ બચ્ચનનાં દોહિત્ર-દોહિત્રી અગસ્ત્ય નંદા-નવ્યા નવેલી નંદા સહિતના કપૂર-પરિવારના મોટા ભાગના સભ્યો જોવા મળ્યા હતા. આ શોમાં સમગ્ર પરિવાર જોવા મળી રહ્યો છે, પણ એમાં રણબીર કપૂરની પત્ની અને ઍક્ટ્રેસ આલિયા ભટ્ટની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો બની છે. સોશ્યલ મીડિયા પર યુઝર્સ આલિયાની ગેરહાજરી વિશે ચર્ચા કરી રહ્યા છે ત્યારે રણબીરના કઝિને અને ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ બનાવનાર અરમાન જૈને સ્પષ્ટતા કરી છે.
એ વિશે વાત કરતાં અરમાને જણાવ્યું હતું કે ‘તેણે અગાઉથી જ શૂટિંગ માટે કમિટમેન્ટ આપ્યું હતું. હું કદાચ ફિલ્મી લાગીશ, પરંતુ રાજ કપૂરે કહ્યું છે કે કામ જ પૂજા છે. લગભગ બધાંના કામના શેડ્યુલ અનિયમિત હોવાથી એમાંથી કેટલાક લોકો ક્યારેક અમુક ઉજવણી ચૂકી જાય છે. દરેક પ્રસંગે આવું થાય છે, ભલે પછી એ ક્રિસમસ ગેટ-ટુગેધર હોય કે દિવાલી ગેટ-ટુગેધર હોય. આવું થતું રહે છે. આલિયા આ સ્પેશ્યલ શોનો ભાગ નથી, પરંતુ તે સોશ્યલ મીડિયા હૅન્ડલ્સથી અમને સતત સપોર્ટ કરી રહી છે.’