શાહરુખ ખાન સાથે ડરમાં કામ કરવાની કેમ ના પાડી હતી રવીના ટંડને

07 November, 2025 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરિશ્મા કપૂરની સૌપ્રથમ ફિલ્મ પ્રેમ કૈદી પણ પહેલાં તેને ઑફર થઈ હતી

રવીના ટંડન

શાહરુખ ખાન અને જુહી ચાવલાને ચમકાવતી ‘ડર’ ૧૯૯૩ની સુપરહિટ ફિલ્મ હતી. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં રવીના ટંડને ખુલાસો કર્યો કે જુહી ચાવલા પહેલાં ‘કિરણ’ના રોલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ વિશે વાત કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘‘ડર’ સૌથી પહેલાં મારી પાસે આવી હતી. એમાં કેટલાંક દૃશ્યો એવાં હતાં જે કરવા માટે હું તૈયાર નહોતી. એ અશ્લીલ નહોતાં, પણ હું એ કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી. ‘ડર’માં કેટલાક સીન એવા હતા જેમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરવાનો સીન હતો. હું ક્યારેય એ માટે તૈયાર નહોતી અને એટલે મેં એ ફિલ્મ કરવાની ના પાડી.’

પોતાના અભિગમ વિશે વાત કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘મારા આ પ્રકારના અભિગમને કારણે મેં માત્ર ‘ડર’ માટે નહીં, બીજી ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી છે. કરિશ્મા કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘પ્રેમ કૈદી’ ૧૯૯૧માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ મને પહેલાં ઑફર થઈ હતી. આ ફિલ્મમાં એક દૃશ્ય હતું જેમાં હીરો ડ્રેસની ઝિપ ખોલે જેમાંથી ઇનરવેઅરની સ્ટ્રિપ દેખાય છે. હું આ સીન કરવામાં કમ્ફર્ટેબલ નહોતી એટલે મેં એ ફિલ્મને પણ ના પાડી દીધી હતી. એ સમયગાળામાં હું આવાં નિકટતા ધરાવતાં દૃશ્યો કરવા માટે તૈયાર નહોતી, જેના કારણે લોકો મને થોડી ‘અહંકારી’ ગણતા  હતા, પણ હકીકતમાં હું ટ્રાન્સપરન્ટ વર્તન કરવામાં વિશ્વાસ ધરાવું છું.’

raveena tandon Shah Rukh Khan juhi chawla karishma kapoor entertainment news bollywood bollywood news bollywood gossips