11 September, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બુધારે અક્ષય કુમારે પોતાની ૫૯મી વર્ષગાંઠ ઊજવી. આ જ દિવસે ડિરેક્ટર રોહિત શેટ્ટીએ અક્ષયને જન્મદિવસની શુભેચ્છા આપીને જાહેરાત કરી હતી કે તે અને અક્ષય કુમાર ફરી સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી હાલમાં ‘ગોલમાલ 5’ પર કામ કરી રહ્યા છે. અજય દેવગનને ચમકાવતી આ લોકપ્રિય કૉમેડી ફ્રૅન્ચાઇઝીમાં પહેલી વાર અક્ષયની એન્ટ્રી થઈ છે અને તે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારના જન્મદિવસે રોહિતે ‘ગોલમાલ 5’ સાથે જોડાયેલી એક તસવીર શૅર કરી હતી. આ તસવીર પોસ્ટ કરતાં રોહિતે લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે અક્ષય કુમાર. સાથે એક બીજી ફિલ્મ. બહુ જલદી.’
રોહિત ‘ગોલમાલ 5’માં અક્ષયની એન્ટ્રીની જાહેરાત પહેલાં જ કરી ચૂક્યો છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે તે કોઈ બીજી ફિલ્મની વાત કરી રહ્યો છે. જોકે તેણે આ ફિલ્મ વિશે હજુ કોઈ માહિતી જાહેર કરી નથી.
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ‘હૈવાન’ મલયાલમ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મથી અક્ષય કુમાર અને સૈફ લગભગ ૧૮ વર્ષ બાદ ફરી એકસાથે મોટા પડદા પર જોવા મળશે.
‘હૈવાન’ એક હાઈ-વોલ્ટેજ ડાર્ક ક્રાઇમ અને સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ એક અંધ વ્યક્તિ અને લિફ્ટ-ઑપરેટરની ભૂમિકામાં જોવા મળશે. એક અપાર્ટમેન્ટમાં હત્યા થયા બાદ સૈફના પાત્ર પર આ હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવે છે. બીજી તરફ અક્ષય કુમાર એક ક્રૂર સિરિયલ કિલરની ભૂમિકામાં છે. હવે અંધ હોવા છતાં સૈફનું પાત્ર પોતાની જાતને નિર્દોષ કેવી રીતે સાબિત કરે છે અને એક નિર્દોષ બાળકીને બચાવવા માટે ખૂનીનો કેવી રીતે સામનો કરે છે એ ફિલ્મની મુખ્ય વાર્તા છે.