02 October, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડા ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટમાં સાથે?
સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપડા બન્ને બૉલીવુડનાં મોટાં નામ છે. સૈફ છેલ્લાં ૩૩ વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે જ્યારે પ્રિયંકા ચોપડા પણ ૨૪ વર્ષથી અભિનય કરી રહી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી આ બન્ને કલાકારો એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં નથી, પણ રિપોર્ટ પ્રમાણે હવે બન્ને એક ફિલ્મમાં સાથે કામ કરે એવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘ધ લંચબૉક્સ’ના ડિરેક્ટર રિતેશ બત્રા એક ઇન્ટરનૅશનલ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે તે સૈફ અને પ્રિયંકા સાથે વાતચીત કરી રહ્યા છે. જો વાતચીત અંતિમ તબક્કે પહોંચે અને સૈફ-પ્રિયંકા ફિલ્મની કાસ્ટમાં સામેલ થાય તો પહેલી વખત આ બન્ને સુપરસ્ટાર એકસાથે એક ફિલ્મમાં જોવા મળશે. હાલ આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી સામે આવી નથી.
પ્રિયંકાએ ૨૦૧૨માં સૈફ સાથે કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે સૈફને શાનદાર ઍક્ટર ગણાવીને કહ્યું હતું કે તે અને સૈફ બે-ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરવાનાં હતાં, પણ શેડ્યુલ સહિત કેટલીક અન્ય મુશ્કેલીઓને કારણે આ પ્રોજેક્ટ પૂરા થઈ શક્યા નહોતા.