મારા આત્માએ તેમના વિના પણ તેમની સાથે ચાલવાનું શીખી લીધું છે

09 July, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલીપકુમારની પુણ્યતિથિએ પત્ની સાયરા બાનુની ઇમોશનલ પોસ્ટ

દિલીપકુમાર

દિલીપકુમારનું ૨૦૨૧ની ૭ જુલાઈએ અવસાન થયું હતું. ગઈ કાલે તેમની પુણ્યતિથિ હતી અને આ દિવસે તેમનાં પત્ની સાયરા બાનુએ એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં તેમણે દિલીપકુમારને યાદ કરતાં તેમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આજે પણ તેમના જીવનમાં દિલીપકુમારનું અત્યંત મહત્ત્વ છે. 

દિલીપકુમારની પુણ્યતિથિએ સાયરા બાનુએ એક ભાવુક વિડિયો પણ પોસ્ટ કર્યો, જેમાં દિલીપકુમારની જૂની ફિલ્મોની કેટલીક યાદગાર તસવીરો છે. આ વિડિયો શૅર કરતાં સાયરા બાનુએ કૅપ્શનમાં લખ્યું, ‘સાહિબની કમી ક્યારેય પૂરી નહીં થઈ શકે. હું આજે પણ તેમની સાથે છું; વિચારોમાં, મનમાં અને જીવનમાં. આ જન્મમાં પણ અને આવનારા જન્મમાં પણ. મારા આત્માએ તેમના વિના પણ તેમની સાથે ચાલવાનું શીખી લીધું છે. દર વર્ષે આ દિવસ મને તેમની યાદોને નાજુક ફૂલની જેમ પ્રેમથી અને સંભાળીને સાચવવા જેવો લાગે છે. તેમના ચાહનારા, મિત્રો કે પરિવારમાંથી કોઈ પણ તેમને ભૂલતું નથી. સાહિબ માત્ર મારા જીવનની સૌથી મોટી ખુશી નહોતા, તેઓ એક આખો યુગ હતા. તેઓ દેશના મોટા નેતાઓ પંડિત નેહરુ, અટલ બિહારી વાજપેયી અને નરસિંહ રાવના સારા મિત્રો હતા. તેમના નજીકના લોકોમાં તેજસ્વી વકીલો, અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓ પણ સામેલ હતા, પરંતુ આ બધા છતાં તેઓ હંમેશાં સામાન્ય લોકો સાથે જોડાયેલા રહ્યા અને તેમનાં દિલોમાં રહ્યા. ’

દિલીપકુમારને રમતગમતનો ખૂબ શોખ હતો. સાયરા બાનુએ આ પોસ્ટમાં દિલીપકુમારના સ્પોર્ટ્‌સ પ્રત્યેના લગાવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘તેઓ ક્રિકેટ અને ફુટબૉલ એવી રીતે રમતા હતા જાણે તેઓ રમતના મેદાનમાં જન્મ્યા હોય. તેઓ ઘણી વાર મજાકમાં કહેતા કે જો નસીબ અલગ હોત તો હું દેશનો મોટો ખેલાડી બનત, પરંતુ નસીબે તેમને અભિનેતા બનાવ્યા અને તેઓ વિશ્વના સૌથી મહાન કલાકાર બની ગયા. જોકે આટલા મોટા આઇકનની પાછળ એક ખૂબ જ નરમ દિલની, પ્રેમાળ અને હાજરજવાબી વ્યક્તિ છુપાયેલી હતી.’ 

ટ્રૅજેડીકિંગની પુણ્યતિથિએ હીમૅનની શ્રદ્ધાંજલિ

હિન્દી સિનેમાના ટ્રૅજેડીકિંગ તરીકે ઓળખાતા દિલીપકુમારે દાયકાઓ સુધી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર તરીકે રાજ કર્યું હતું. ૨૦૨૧ની ૭ જુલાઈએ તેમનું નિધન થયું અને ગઈ કાલે તેમની ચોથી પુણ્યતિથિ હતી. આ દિવસે બૉલીવુડના હીમૅન ગણાતા ધર્મેન્દ્રએ તેમના પ્રિય મિત્ર અને આદર્શ દિલીપકુમારની યાદમાં સોશ્યલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ શૅર કરી જેણે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે. 
દિલીપકુમારની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ધર્મેન્દ્રએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી જેમાં તેઓ દિલીપકુમાર સાથે હાથ મિલાવતા જોવા મળે છે. આ ફોટો સાથે ધર્મેન્દ્રએ ઇમોશનલ કૅપ્શનમાં દિલીપસાહેબને પોતાના મોટા ભાઈ અને આદર્શ તરીકે યાદ કર્યા. કૅપ્શનમાં તેમણે લખ્યું છે, ‘આજનો દિવસ કેટલો દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. આજના દિવસે મારા અત્યંત પ્રિય ભાઈ, તમામના ચહીતા અભિનેતા, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એક નેક અને મહાન વ્યક્તિ દિલીપસા’બ આપણને અને આ દુનિયાને હંમેશ માટે છોડીને ચાલી ગયા હતા. આ આઘાત સહન થઈ શકે એમ નથી, ફક્ત હું મારી જાતને દિલાસો આપું છું કે તેઓ આજુબાજુમાં જ છે.’

dilip kumar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news saira banu