17 October, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતાં હેમા માલિનીની ગઈ કાલે ૭૭મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેમને સાયરાબાનુએ ખાસ શુભેચ્છા આપી છે. સાયરાબાનુએ હેમાને જન્મદિવસની શુભેચ્છા આપતાં સોશ્યલ મીડિયા પર એક ખાસ તસવીર શૅર કરી છે જેમાં દિલીપકુમાર, હેમા અને સાયરા એકસાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીર સાથે સાયરાબાનુએ કૅપ્શન લખી છે, ‘મારી સૌથી વહાલી મિત્રને શુભેચ્છા આપતાં મારું હૃદય ખુશીથી ભરાઈ જાય છે. આજે જન્મદિવસની ઢગલો શુભકામનાઓ. હેમા હંમેશાં સુંદરતા, શાલીનતા અને શાંત શક્તિનું ઉદાહરણ રહી છે.’
સાયરાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘હેમા ખરેખરી ‘ડ્રીમ ગર્લ’ છે, માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ દરેક રીતે. અમારી કેટલીક વર્ષોની મિત્રતા ઉષ્મા, આદર અને જૂના સમયની યાદોથી ભરપૂર રહી છે. તાજેતરમાં તે અમારા ઘરે આવી હતી જ્યાં અમે કલાકો જૂની વાતો, ફિલ્મો અને જીવન વિશે ચર્ચા કરી. તેના આત્મામાં આજે પણ એ જ કોમળતા છે જે તેને બધાની પ્રિય બનાવે છે.’