સલમાન ખાને લક્ઝરી વૉચ બ્રૅન્ડ સાથે મળીને લૉન્ચ કરી લિમિટેડ એડિશન ઘડિયાળ

02 April, 2026 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અનોખી ઘડિયાળમાં તિરંગાના રંગો, અશોક ચક્ર અને ડ્યુઅલ ટાઇમ ઝોન જેવી વિશેષતાઓનો સમાવેશ થાય છે

આ ઘડિયાળની સૌથી મોટી ખાસિયત એની ભારતીય ઓળખ છે

સલમાન ખાને હાલમાં લક્ઝરી વૉચ બ્રૅન્ડ જેકબ ઍન્ડ કંપની સાથે મળીને એક ખાસ લિમિટેડ એડિશન ઘડિયાળ લૉન્ચ કરી છે. આ ઘડિયાળની ડિઝાઇનની પ્રેરણા ભારતના રાષ્ટ્રધ્વજ પરથી લેવામાં આવી છે. આ અનોખી ઘડિયાળમાં તિરંગાના રંગો, અશોક ચક્ર અને ડ્યુઅલ ટાઇમ ઝોન જેવી વિશેષતાઓનો સમાવેશ થાય છે. આ ડિઝાઇન લક્ઝરી કારીગરીનું સુંદર સંયોજન રજૂ કરે છે.

આ ઘડિયાળની સૌથી મોટી ખાસિયત એની ભારતીય ઓળખ છે. ડાયલમાં તિરંગાના રંગો કેસરી, સફેદ અને લીલો સમાવાયા છે જે સાહસ, સત્ય અને વિકાસનું પ્રતીક છે. તેની વચ્ચે અશોક ચક્ર મૂકવામાં આવ્યું છે જે ધર્મ અને ગતિનું પ્રતિનિધિત્વ કરે છે.

સલમાને સોશ્યલ મીડિયા પર આ ઘડિયાળ વિશે કહ્યું, ‘આ ઘડિયાળ માત્ર સમય નથી બતાવતી, જીવનની સફરને સન્માન આપે છે. આ ઘડિયાળ એ શહેરો, એ લોકો અને એ પરિવારને સન્માનિત કરે છે જેણે મને ઘડ્યો છે.’

આ ઘડિયાળ ટેક્નૉલૉજી અને ડિઝાઇન બન્નેમાં અનોખી છે. એમાં બે સ્વતંત્ર ટાઇમ ઝોન છે, જેને મિનિટ સુધી ઍડ્જસ્ટ કરી શકાય છે. આ ઘડિયાળની ડિઝાઇનમાં ‘એસકે’ (સલમાન ખાનના ઇનિશ્યલ્સ)નો ખાસ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે જે એને વધારે પર્સનલ બનાવે છે.

Salman Khan entertainment news bollywood bollywood news