05 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન પાસે અનેક મોંઘી અને લક્ઝરી કાર છે. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ તરફથી ધમકીઓ મળ્યા બાદ તેમ જ તેના ઘર ગૅલૅક્સી અપાર્ટમેન્ટ બહાર ફાયરિંગ થયા બાદ તેણે બુલેટપ્રૂફ ગાડીઓ પણ ખરીદી છે. હંમેશાં વાય પ્લસ સુરક્ષાના કવચમાં રહેતા સલમાને હવે એક બુલેટપ્રૂફ મર્સિડીઝ-બેન્ઝ Maybach GLS પણ ખરીદી છે. મર્સિડીઝ-બેન્ઝ Maybach GLSની મુંબઈમાં એક્સ-શોરૂમ કિંમત ૩.૩૯-૩.૭૧ કરોડ રૂપિયા છે અને બુલેટપ્રૂફિંગ બાદ એની કિંમતમાં વધારો થયો હશે. મર્સિડીઝનું આ મૉડલ ફાઇવ સીટર છે અને એનું એન્જિન 3982 ccનું છે તેમ જ એની ટૉપ સ્પીડ 250 kmph છે. સોમવારે સલમાન મુંબઈના રસ્તાઓ પર આ કારમાં જોવા મળ્યો હતો.
આ પહેલાં પણ ગયા વર્ષે સલમાને એક બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી જે દુબઈથી મગાવવામાં આવી હતી. તેમની પાસે પહેલાંથી જ એક બુલેટપ્રૂફ નિસાન પૅટ્રોલ હતી, પરંતુ ગયા વર્ષે બીજી નિસાન પૅટ્રોલ પણ દુબઈથી મગાવવામાં આવી હતી. સુરક્ષા અને પાવરની દૃષ્ટિએ શાનદાર આ ગાડીની કિંમત બે કરોડ રૂપિયા હોવાનું કહેવાયું હતું. હવે સલમાને નવી બુલેટપ્રૂફ કારની ખરીદી કરી છે.