Bollywood Update : આસામમાં આવેલા વિનાશક પૂરની સ્થિતિ વચ્ચે સલમાન ખાને શરૂ કરી રાહત કામગીરી

30 July, 2026 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને બીઇંગ હ્યુમન દ્વારા આસામમાં તબક્કાવાર પૂર રાહત અભિયાન શરૂ કર્યું છે, જેમાં ખોરાક, આવશ્યક પુરવઠો અને પુનર્વસન સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સલમાન ખાન

આસામમાં આવેલા વિનાશક પૂરની સ્થિતિ વચ્ચે સલમાન ખાને રાહત-કામગીરી શરૂ કરી છે. રિપોર્ટ પ્રમાણે સલમાને આસામમાં કાર્યરત પોતાની એક ફૅન ક્લબ સાથે મળીને પોતાની સંસ્થા ‘બીઇંગ હ્યુમન’ હેઠળ તબક્કાવાર રાહત-અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના પ્રથમ તબક્કામાં પૂરગ્રસ્ત લોકોને તૈયાર ખાઈ શકાય એવાં ખાદ્ય પૅકેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આગામી તબક્કામાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવશે. મળતી માહિતી મુજબ આ સમગ્ર રાહત-કામગીરીનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે.
રિપોર્ટ પ્રમાણે આવનારા થોડા અઠવાડિયામાં આ અભિયાનનો વ્યાપ વધારવામાં આવશે અને એમાં રાશન-કિટ, અન્ય જરૂરી કિટ્સ અને શાળાઓ તથા હૉસ્પિટલોના પુનર્નિર્માણ માટે પણ સહાય કરવામાં આવશે. આ ઉપરાંત પૂરગ્રસ્ત લોકોને દવાઓ, પીવાનું પાણી, સૅનિટરી નૅપકિન અને મચ્છર ભગાડવા માટેના સ્પ્રે સહિતની આવશ્યક સામગ્રી પણ પહોંચાડવાની યોજના છે.

આલિયા ભટ્ટે આસામના પૂરપીડિતોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી

આસામમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયામાં નોંધ શૅર કરીને લોકોને આસામના પૂરપીડિતોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી.આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હાલમાં આપણા દેશના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં આસામ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે અને અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. લાખો લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. પરિવારો પોતાનાં ઘરો, જમીન અને પશુધન ગુમાવી ચૂક્યા છે, જ્યારે કેટલાક લોકોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા છે. આ દર વર્ષે થાય છે, છતાં આપણે તૈયાર નથી હોતા. આસામને અત્યારે તાત્કાલિક રાહતની જરૂર છે અને લાંબા ગાળાના પુનર્વસન માટે પણ સતત સહયોગની જરૂર પડશે.’

તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં રાશા થડાનીનું ધમાકેદાર ડેબ્યુ

રવીના ટંડનની દીકરી રાશા થડાની હવે તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે સુપર સ્ટાર મહેશ બાબુના ભત્રીજા જય ક્રિષ્ના ઘટ્ટમનેની સાથે ‘શ્રીનિવાસ મંગાપુરમ’ નામની ફિલ્મમાં સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. ‘શ્રીનિવાસ મંગાપુરમ’ એક લવ-સ્ટોરી આધારિત ઍક્શન થ્રિલર ફિલ્મ છે અને આજે જ રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં રાશાએ શૂટિંગ સમયની પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં રાશા અલગ-અલગ લુકમાં જોવા મળે છે પણ તેને શિફૉન સાડીમાં જોઈને ફૅન્સને તેની મમ્મી રવીના ટંડનની યાદ આવી ગઈ હતી.  

સ્ટાઇલિશ શો-સ્ટૉપર વાણી કપૂર

દિલ્હીમાં યોજાઈ રહેલા ઇન્ડિયા કુટ્યુઅર વીક 2026માં ઍક્ટ્રેસ વાણી કપૂરે ડિઝાઇનર ડૉલી જે. માટે રૅમ્પ-વૉક કરીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આ રૅમ્પ-વૉકમાં શો-સ્ટૉપર તરીકે જોવા મળેલી વાણીએ ડાર્ક વાઇન રંગનું આઉટફિટ પહેર્યું હતું અને એમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટમાં પરંપરાગત દુપટ્ટાની જગ્યાએ એક સુંદર રીતે ડ્રેપ કરાયેલો પલ્લુ હતો. આ ડિઝાઇનમાં સાડીની સૌમ્યતા અને લેહંગાની ભવ્યતાનું કૉમ્બિનેશન જોવા મળ્યું હતું.

ફૅશન-ઇવેન્ટમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થની રિયલ લાઇફ જોડીની જમાવટ

ઇન્ડિયા કુટ્યુઅર વીક 2026માં રોમૅન્સ અને રાજાશાહી ઠાઠનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. દિલ્હીમાં યોજાયેલી આ ફૅશન-ઇવેન્ટમાં મંગળવારે રિયલ લાઇફ કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ડિઝાઇનર જયંતી રેડ્ડી માટે શો-સ્ટૉપર બન્યાં. તેમણે હાથમાં હાથ નાખીને રૅમ્પ પર વૉક કર્યું હતું અને આ જોડીની સહજ કેમિસ્ટ્રીએ સમગ્ર શોને યાદગાર બનાવી દીધો. હૈદરાબાદના શાહી વારસામાંથી પ્રેરણા લઈને ડિઝાઇન કરેલાં આઉટફિટે અદિતિ અને સિદ્ધાર્થને રૉયલ લુક આપ્યો હતો.

વરુણ ધવન સપરિવાર શિફ્ટ થયો નવા ઘરમાં

વરુણ ધવન લાંબા સમયથી તેના પેરન્ટ્સ ડેવિડ ધવન અને લાલી ધવન તેમ જ ભાઈ રોહિત ધવન સાથે એક જ બિલ્ડિંગમાં રહેતો હતો. વરુણનું આ ઘર જુહુ વિસ્તારમાં જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલની બાજુમાં આવેલું હતું. જોકે તે લગભગ પાંચ વર્ષથી વધારે મોટું ઘર શોધી રહ્યો હતો. એક તબક્કે વરુણે તેના મિત્ર હૃતિક રોશનનો ફ્લૅટ ભાડે લેવાનું વિચાર્યું હતું પણ અંતે એને શ્રદ્ધા કપૂરે ભાડે લઈ લીધો હતો.આ પછી વરુણ ધવન અને તેની ફૅશન-ડિઝાઇનર પત્ની નતાશા દલાલે જુહુના પ્રતિષ્ઠિત ‘ટ્વેન્ટી’ પ્રોજેક્ટમાં બે માળ ખરીદ્યા હત, જેનો કબજો તેમને ગયા વર્ષે જ મળ્યો હતો. નતાશાની પસંદગી મુજબ ઇન્ટીરિયરનું કામ પૂરું થયા બાદ હવે આ દંપતી પોતાના નવા વૈભવી નિવાસસ્થાને શિફ્ટ થઈ ગયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટમાં લૅન્ડસ્કેપ ગાર્ડનથી લઈને અદ્યતન ફાયર-ફાઇટિંગ સિસ્ટમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Salman Khan assam rasha thadani alia bhatt varun dhawan aditi rao hydari entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood