16 October, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન
‘મહાભારત’માં કર્ણની ભૂમિકાથી ભારે લોકપ્રિયતા મેળવનાર પંકજ ધીરનું ગઈ કાલે સવારે ૬૮ વર્ષની વયે કૅન્સરને કારણે અવસાન થયું હતું. આ પછી વિલે પાર્લેમાં આવેલા પવન હંસ સ્મશાનગૃહ ખાતે સાંજે સાડાચાર વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન ટાઇટ સિક્યૉરિટી સાથે પહોંચ્યો હતો. આ અંતિમયાત્રામાં તેમના અનેક મિત્રોએ હાજરી આપી હતી તેમ જ દીકરા નિકિતિન ધીરની સાથે ટીવી-ઍક્ટર કુશલ ટંડને પણ પંકજ ધીરને કાંધ આપી હતી. આ અંતિમયાત્રા વખતે સલમાન ખાને દીકરા નિકિતિન ધીરને ભેટીને સાંત્વના આપી હતી. આ અંતિમયાત્રામાં ‘મહાભારત’ના અર્જુન એટલે કે ફિરોઝ ખાન અને દુર્યોધન એટલે કે પુનિત ઇસ્સારે પણ હાજરી આપી હતી.
મહાભારતમાં કર્ણ તરીકે લોકપ્રિયતા મેળવનાર પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સરને કારણે અવસાન
‘મહાભારત’માં કર્ણનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે કૅન્સરને કારણે અવસાન થઈ ગયું છે. પંકજ ધીરની લાંબા સમયથી કૅન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને તેમને કૅન્સરથી મુક્તિ પણ મળી ગઈ હતી. જોકે થોડા સમય પહેલાં કૅન્સરે ઊથલો માર્યો હતો. આ સ્થિતિમાં તેમની સર્જરી પણ થઈ હતી. જોકે અંતે તેઓ કૅન્સર સામેનો જંગ હારી ગયા હતા. પંકજ ધીરે અનેક લોકપ્રિય ટીવીસિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના પિતા સી. એલ. ધીરે ‘પરવાના’ અને ‘માય ફાધર ગૉડફાધર’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. પંકજ ધીરનાં પત્ની અનીતા ધીર કૉસ્ચ્યુમ ડિઝાઇનર છે. પંકજ અને અનીતાને દીકરો નિકિતિન ધીર અને દીકરી નિતિકા શાહ એમ બે બાળકો છે. પંકજની પુત્રવધૂ કૃતિકા સેન્ગર પણ જાણીતી ઍક્ટ્રેસ છે અને તે ‘ઝાંસી કી રાણી’ અને ‘કસૌટી ઝિંદગી કી’ જેવી સિરિયલોમાં લીડ રોલમાં દેખાઈ ચૂકી છે.