27 March, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને રશ્મિકા મંદાના
સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘સિકંદર’ રિલીઝ માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ફિલ્મની લીડ જોડી વચ્ચેના વયના તફાવતની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં હીરો તરીકે ૫૯ વર્ષનો સલમાન છે અને હિરોઇન તરીકે ૨૮ વર્ષની રશ્મિકા મંદાના છે. એક રિપોર્ટ પ્રમાણે રશ્મિકાના રિયલ લાઇફ પિતાની વય પણ સલમાન કરતાં ત્રણ વર્ષ ઓછી છે. સલમાન અને રશ્મિકા વચ્ચેની ઉંમરના તફાવતની બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે ત્યારે ‘સિકંદર’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં સલમાને શબ્દો ચોર્યા વિના જવાબ આપ્યા હતા.
‘સિકંદર’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં રશ્મિકા સહિત ફિલ્મની આખી ટીમ હાજર હતી ત્યારે સલમાને કહ્યું કે ‘બધા કહે છે કે મારા અને હિરોઇન વચ્ચે ૩૧ વર્ષનું અંતર છે. અરે, આ મામલે જ્યારે હિરોઇનને પ્રૉબ્લેમ નથી, હિરોઇનના પપ્પાને પ્રૉબ્લેમ નથી તો બીજા બધાને શું તકલીફ થઈ રહી છે? કાલે રશ્મિકાનાં લગ્ન થશે અને તેની દીકરી સ્ટાર બનશે તો હું તેની સાથે પણ કામ કરીશ, મમ્મીની પરમિશન તો મળી જ જશે.’
સલમાનના આ જવાબ સામે સિંગર સોના મોહપાત્રાએ સોશ્યલ મીડિયામાં આકરો વિરોધ કર્યો છે. તેણે કહ્યું છે કે પોતાના અને હિરોઇન વચ્ચેના ૩૧ વર્ષના એજ-ગૅપ વિશેનો સલમાનનો જવાબ એકદમ કચરા જેવો છે. સોનાએ લખ્યું છે કે ‘સલમાન ‘ટૉક્સિક મર્દાનગીનો ભાઈ’ છે. ભાઈની ટૉક્સિક મર્દાનગી અને પિતૃસત્તાક વિચારધારાને એ વાતનો અહેસાસ જ નથી કે ભારત બદલાઈ ગયું છે.’