25 June, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરા પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘કર્ણ’ને લઈને ફરી એક વાર ચર્ચામાં છે. અગાઉ આ ફિલ્મ દ્વારા સાઉથનો સ્ટાર સૂર્યા બૉલીવુડમાં ડેબ્યુ કરવાનો હતો પણ બજેટ સંબંધિત સમસ્યાઓને કારણે ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં જ અટકી ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે રાકેશ ઓમપ્રકાશ મેહરા ફરી એક વાર ‘કર્ણ’ પર કામ શરૂ કરવાની તૈયારીમાં છે અને આ વપખતે ફિલ્મમાં સૂર્યાની જગ્યાએ સલમાન ખાન લીડ રોલમાં જોવા મળી શકે છે.
મળતી માહિતી પ્રમાણે નિર્માતાઓ હવે આ પિરિયડ ડ્રામા સલમાન ખાન સાથે શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મનો નિર્માતા ફરહાન અખ્તર છે અને તે પોતાની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરશે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ખબર પડી છે કે આ પ્રોજેક્ટ માટે સલમાન અને ફરહાન સતત બેઠકો કરી રહ્યા છે અને એ બે ભાગમાં રિલીઝ થશે તેમ જ એનું શૂટિંગ આવતા વર્ષે ઉનાળામાં શરૂ થઈ શકે છે.