09 April, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`માતૃભૂમિ`માં સલમાનના રોલમાં વધારે રોમૅન્સ અને બૅકસ્ટોરી ઉમેરાઈ
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ-તારીખને લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શરૂઆતમાં આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં એને મુલતવી રાખવામાં આવી. આ પછી ફિલ્મનું નામ પણ ‘બૅટલ ઑફ ગલવાન’માંથી બદલીને ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ રાખવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના લગભગ ૪૦ ટકા ભાગનું રીશૂટિંગ કરવામાં આવ્યું છે અને સલમાનના રોલમાં વધુ રોમૅન્સ અને એક નવી બૅકસ્ટોરી ઉમેરવામાં આવી છે.
અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મ મે મહિનામાં રિલીઝ થશે, પરંતુ હવે મેમાં રિલીઝ થવાની શક્યતા નથી. સલમાન ફિલ્મને ૧૫ મેના રોજ રિલીઝ કરવા માગતો હતો, પણ સેન્સર અને મંજૂરી સંબંધિત મુશ્કેલીઓના કારણે આ શક્ય બન્યું નથી. હવે ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે એવી ચર્ચા છે. માહિતી અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમ્યાન ભારત અને ચીન વચ્ચેની પરિસ્થિતિમાં ઘણા ફેરફારો આવ્યા હતા, જેના કારણે ફિલ્મને ફરીથી શૂટ કરવામાં આવી છે.