16 November, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને શ્રદ્ધા કપૂર
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ આખરે થિયેટરોમાં રિલીઝ થવાની દિશામાં આગળ વધી રહી છે. અનેક વખત રિલીઝમાં વિલંબ થયા બાદ હવે આ વૉર-ડ્રામા ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી મંજૂરી મળી ગઈ છે અને આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંજોગોમાં ‘માતૃભૂમિ’ની સીધી ટક્કર શ્રદ્ધા કપૂરને લીડ રોલમાં ચમકાવતી ‘ઈઠા’ સાથે થશે, કારણ કે આ ફિલ્મ પણ ચોથી ડિસેમ્બરે જ રિલીઝ થવાની છે.
સલમાનની આ ફિલ્મનું મૂળ નામ ‘બૅટલ ઑફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું અને એને આ વર્ષે ઈદના અવસરે રિલીઝ કરવાની યોજના હતી. જોકે પછી સંરક્ષણ મંત્રાલયના નિર્દેશ પછી ફિલ્મમાં મોટા પાયે ફેરફાર કરીને ચીનવિરોધી ઉલ્લેખ હટાવવામાં આવ્યા હતા અને ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું.
ડિસેમ્બરમાં બૉક્સ-આૅફિસ પર થશે ધમાચકડી
હાલની પરિસ્થિતિમાં ડિસેમ્બરમાં ત્રણ મોટી ફિલ્મો ‘ઈઠા’, ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ અને ‘કિંગ’ રિલીઝ થવાની છે. આ ત્રણેય ફિલ્મો મોટી ફિલ્મો છે અને એક જ મહિનામાં રિલીઝ થવાના કારણે ડિસેમ્બરમાં બૉક્સ-ઑફિસ પર મહા ટક્કર જોવા મળશે.
ઈઠા (૪ ડિસેમ્બર)
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ મહારાષ્ટ્રનાં જાણીતાં તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના જીવનથી પ્રેરિત ફિલ્મ છે. વિઠાબાઈ મહારાષ્ટ્રની રંગભૂમિનું જાણીતું નામ હતાં. તેમણે પોતાની પ્રતિભા, સંઘર્ષ અને મહેનતના બળે લોકકલાકાર તરીકે આગવી ઓળખ ઊભી કરી હતી. ફિલ્મમાં શ્રદ્ધા લાવણી કલાકારની ભૂમિકામાં જોવા મળશે. વાર્તામાં એક એવી કલાકારની સફર રજૂ કરવામાં આવશે જે અનેક મુશ્કેલીઓ અને સામાજિક પડકારોનો સામનો કરીને પોતાની કલાને નવી ઊંચાઈએ લઈ જાય છે. ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ વિઠાબાઈનાં જીવનની સીધી બાયોપિક નથી, પણ તેમનાં જીવનની કેટલીક ઘટનાઓ અને તેમના વિશે લખાયેલા પુસ્તકમાંથી પ્રેરણા લઈને ફિલ્મની વાર્તા તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ (૪ ડિસેમ્બર)
સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહની ફિલ્મ ૨૦૨૦ના જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન ભારતીય સેનાના કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે. તેઓ ૧૬ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર હતા અને ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. આ બહાદુરી બદલ તેમને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે ફિલ્મ માત્ર યુદ્ધ અને સૈન્યની કાર્યવાહી પૂરતી મર્યાદિત નથી. ડિરેક્ટર અપૂર્વ લાખિયાના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં માનવતા, બલિદાન, દેશપ્રેમ અને યુદ્ધની માનવીય કિંમત જેવાં પાસાંને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સલમાન આ ફિલ્મને એક ભાવનાત્મક કૌટુંબિક કહાની તરીકે પણ રજૂ કરવા માગે છે. ફિલ્મની રિલીઝ અગાઉ ૨૦૨૬ની ઈદ વખતે નક્કી કરવામાં આવી હતી, પણ વારંવાર વિલંબ પછી હવે આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કિંગ (૨૪ ડિસેમ્બર)
શાહરુખ ખાનની ઍક્શન-થ્રિલર ‘કિંગ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહરુખ એક અલગ અને આક્રમક અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ અને તેની દીકરી સુહાના ખાન પહેલી વખત સાથે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મમાં શાહરુખ ખૂનખાર અંડરવર્લ્ડ ડૉન અથવા કિલરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેનું પાત્ર પોતાની નૈતિકતા અને નિયમો પ્રમાણે જીવન જીવતું હોય છે. બીજી તરફ સુહાના એક એવી યુવતીની ભૂમિકામાં છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે અને તેના પરિવાર પર મોટી આફત આવી પડે છે. આ યુવતી પોતાનો જીવ બચાવવા માટે શાહરુખના પાત્રની મદદ લે છે. ત્યાર બાદ શાહરુખનું પાત્ર તેને ખતરનાક ગુનાહિત દુનિયામાં ટકી રહેવા અને દુશ્મનો સામે લડવા માટે તાલીમ આપે છે. તે યુવતીનો માર્ગદર્શક બને છે અને તેને સુરક્ષા પણ આપે છે. ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.