23 July, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
બોલીવુડ અભિનેતા સલમાન ખાન ((Salman Khan)એ હાલમાં જ દેશભરમાં ગાજી રહેલા નીટ (NEET) પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેના પછી તેઓ પોતે જ ભારે ટ્રોલિંગનો ભોગ બન્યા છે.
સલમાન ખાન (Salman Khan)એ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક વિવાદ (NEET Paper Leak Row) અને `કોકરોચ જનતા પાર્ટી` (Cockroach Janta Party) ના નેતૃત્વમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેણે આ વિવાદ સામે વિરોધ નોંધાવી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું છે. પેપર લીકની ઘટનાને એક અત્યંત ગંભીર બાબત ગણાવતા અભિનેતાએ ૨૦ જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને થયેલી ઈજાઓ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો હતો. સલમાન ખાનના આ નિવેદન બાદ તેનો એક જુનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અભિનેતા પોતે લીક થયેલા પેપરને કારણે પાસ થયો હોવાની વાત (Salman Khan`s old video on leaked exam papers resurfaces) છે. આ વીડિયો બાદ ફેન્સના મનમાં અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે અને અભિનેતાને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
અભિનેતા સલમાન ખાને NEET વિવાદ સામે વિરોધ નોંધાવી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપતું નિવેદન આપ્યું છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા પેપર લીકને અત્યંત ગંભીર વિષય ગણાવ્યો હતો. જોકે, તેમના આ સ્ટેટમેન્ટ બાદ તરત જ નેટિઝન્સે તેમના પિતા સલીમ ખાન (Salim Khan)નો એક જૂનો વીડિયો વાયરલ કરી દીધો હતો. વર્ષ ૨૦૨૦માં `ધ કપિલ શર્મા શો` (The Kapil Sharma Show) દરમિયાન સલીમ ખાને ખુલાસો કર્યો હતો કે શાળાના દિવસોમાં સલમાન ખાન પોતે લીક થયેલા પરીક્ષાના પેપરો મેળવીને પાસ થતા હતા. આ કિસ્સો ફરી સામે આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર સલમાન ખાનના બેવડા વલણ પર સવાલો ઉઠાવીને તેમને આડે હાથ લીધા છે.
સલમાન ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમના પિતા સલીમ ખાન દ્વારા વર્ષ ૨૦૨૦માં `ધ કપિલ શર્મા શો` દરમિયાન શેર કરવામાં આવેલો એક રમુજી કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે.
એ ઘટનાને યાદ કરતા સલીમ ખાને જણાવ્યું હતું કે, ગણેશ નામનો એક વ્યક્તિ જ્યારે પણ તેમના ઘરે આવતો ત્યારે તેને વિશેષ માન-સન્માન આપવામાં આવતું હતું. ઘરના સભ્યો તેને ચા-પાણી અને બેસવા માટે ખુરશી આપવાની ત્વરિત વ્યવસ્થા કરતા, જેથી તેમને આશ્ચર્ય થતું કે આ ગણેશ કોણ છે જેને ઘરમાં તેમના કરતાં પણ વધુ ઈજ્જત મળી રહી છે. ત્યારબાદ તેમણે રમુજી શૈલીમાં ખુલાસો કર્યો હતો કે, પાછળથી તેમને ખબર પડી કે જ્યારે પણ પરીક્ષાના પેપર લીક થતા ત્યારે તે વ્યક્તિ પેપર લાવીને આપતો હતો. આ સાંભળીને કાર્યક્રમમાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા, અને સલમાન ખાને પણ હસતા હસતા સ્વીકાર્યું હતું કે, એ કિસ્સો તેમના શાળાના દિવસોનો જ હતો.
આ જૂનો વીડિયો ફરી વાયરલ (Viral Videos) થયા બાદ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ આ બાબતે વિભિન્ન પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક યુઝર્સે સેલિબ્રિટીઝના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે કે અસંખ્ય લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળના કિસ્સાઓ ગમે તે હોય, પરંતુ હાલના સમયે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ અત્યંત વ્યાજબી અને મહત્વપૂર્ણ છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) પર એક પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું અને તેને હિંસક સ્વરૂપ ધારણ કરવું પડ્યું તે જોઈને ખૂબ દુઃખ થાય છે. ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે પેપર લીક એ ખૂબ જ ગંભીર વિષય છે અને દેશના યુવાનો એક સારી શિક્ષણ પ્રણાલી માટે એકજૂથ થયા છે તે સરાહનીય છે.
અભિનેતાએ આ આંદોલનને રાજકીય મુદ્દો બનાવ્યા વિના માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષણ પર કેન્દ્રિત રાખવા વિનંતી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓની હિંમતને બિરદાવતા આશા વ્યક્ત કરી હતી કે સરકાર પણ તેમને પૂરો સહયોગ આપશે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. વધુમાં તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારત ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક હબ બને.
નીટ પેપર લીકની કથિત ઘટના બાદ `કોકરોચ જનતા પાર્ટી` (CJP) ના નેતૃત્વ હેઠળનું આંદોલન સમગ્ર દેશમાં વધુ તીવ્ર બન્યું છે. આ વિવાદથી દેશના ૨૦ લાખથી વધુ મેડિકલ ઉમેદવારો અસરગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાના અહેવાલો બાદ જનરોષ વધુ વકર્યો છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને રુપિયા ૧ કરોડનું વળતર અને અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરાયેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની મુક્તિ સામેલ છે.
૨૦ જુલાઈના રોજ હજારો વિદ્યાર્થીઓએ નવી દિલ્હી (New Delhi)માં `ચલો સંસદ` માર્ચનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી, જેમાં ભીડને વિખેરવા માટે અશ્રુવાયુ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી છતાં, રાજધાની દિલ્હી તેમજ દેશના અન્ય ભાગોમાં આંદોલન સતત જારી છે.